Mysamachar.in-ગાંધીનગર
હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, સત્રમાં એક જવાબમાં આપઘાતનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે, અને તેમાં પણ રાજ્યમાં 2 વર્ષમાં 298 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યાનો આંકડો સામે આવ્યો છે, તો સરેરાશ આપઘાતની ઘટનાનો આંકડો રાજ્યમાં દરરોજનો 20 જેટલો છે, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 37,551 આપઘાતના અને 17,791 આપઘાતના પ્રયાસોની ઘટના બની છે. ગુજરાતમાં રોજના 20 કે તેથી વધુ લોકો આપઘાત કરે છે. અમદાવાદ અને સુરતમાં આપઘાતના સૌથી વધુ કિસ્સા સામે આવ્યા છે.
આપઘાતના કારણોમાં પરીક્ષામાં નાપાસ થવાના કારણે, માનસિક-શારીરિક બીમારી, સગાઈ ન થવી, લાંબી બીમારી, કૌટુંબિક કારણસર, પ્રેમ સંબંધ કે અગમ્ય કારણસર સામેલ છે. ગુજરાતમાં 1-10-2015થી 30-09-2020 સુધીના અરસામાં કુલ 37,551 આપઘાતની ઘટનાઓ બની છે, અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં 3995 જ્યારે સુરત શહેરમાં 3805 લોકોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. રાજકોટ શહેરમાં 2112, રાજકોટ જિલ્લામાં 1824, સુરત ગ્રામ્યમાં 1254, વલસાડ જિલ્લામાં 1285, જૂનાગઢમાં 1576, જામનગરમાં 1317, ભાવનગરમાં 1552 આપઘાતના કિસ્સા બન્યા છે.
આપઘાતના બનાવો ઘટે તે માટે સરકારે શું પગલાં ભર્યા તેવા સવાલના જવાબમાં કહેવાયું હતું કે, રાજ્યમાં 104 હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી છે, જેમાં મનોવૈજ્ઞાનિકો દ્વારા કાઉન્સીલિંગ સેવાઓ આપવામાં આવે છે. આ જવાબમાં સૌથી ચોક્વનાર બાબત એ હતી કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષના સમયગાળામાં 298 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી છે. વર્ષ 2018-19 અને 2019-20ના અરસાના આ આંકડા જાહેર કરાયા છે. પહેલાં વર્ષે 153 અને બીજા વર્ષમાં 145 વિદ્યાર્થીએ આપઘાત કર્યા હતા. જ્યારે બે વર્ષમાં 61 વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.