Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં આપણે રોજ સવારે ઉઠીએ એટલે થોડીજ ક્ષણોમાં ક્યાંક માર્ગ અકસ્માતના બનાવો સામે આવે છે, રાજ્યમાં માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અને મોટાભાગના વાહનો ચાલકો ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેના કારણે ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધી છે, આ પ્રકારના અકસ્માતોમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ નાગરિકોના મોત થઈ રહ્યા છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં 11 હજાર 411 હિટ એન્ડ રનના પોલીસ કેસ નોંધાયા છે, જેના અડધો અડધ કેસમાં 5570 આરોપી વાહન ચાલકો, માલિકોને પોલીસ હજી સુધી પકડી શકી નથી.
વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે ગુજરાતમાં આત્મઘાતી સાબિત થઈ રહેલી ટ્રાફિક નિયમન વ્યવસ્થા સંદર્ભે સવાલ પુછયો હતો. જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વિકાર્યુ હતું કે વર્ષ 2015થી 2019 દરમિયાન ગુજરાતમાં કુલ 11 હજાર 411 હિટ એન્ડ રનના બનાવો બન્યા છે. ગૃહમંત્રીએ રજુ કરેલી આંકડાકિય વિગતો મુજબ પાંચ વર્ષમાં અકસ્માત સર્જીને ભાગી છુટવાના બનાવોમાં 6727 નાગરિકોના મૃત્યુ થયા છે. જ્યારે 6429 નાગરિકો ઘાયલ થયા હતા.
માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વર્ષ 2017 દરમિયાન 18 હજાર 81 માર્ગ અકસ્માત થયા હતા અને જેમાંથી 7289 વ્યક્તિનાં મોત થયાં હતાં. આમ, ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે. જે પણ ચિંતાજનક કહી શકાય તેવી બાબત છે.