Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો તેની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે, ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન લોંચ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કાગળની બચત ઉપરાંત ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે રાજ્યના કરોડો નાગરિકો બજેટની જોગવાઇઓ જાણી શકે તે માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. 3જી માર્ચે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થનાર છે, ત્યારે આ એપ્લિકેશનમાં નાણામંત્રીનું બજેટ પ્રવચન લાઇવ નિહાળી શકાશે.
તમામ બજેટ ડોક્યુમેન્ટ અને છેલ્લા 5 વર્ષના બજેટ પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં બજેટ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ કરાશે. વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની પહેલાના ભાગરૂપે પ્રથમ તબક્કે બજેટ પ્રવચન મોબાઇલ એપ્લિકેશન મારફતે લાઇવ કરવાનો નિર્ણય લેવાયો છે. એપ્લિકેશનમાં 5 વિભાગ રખાયા છે. સરકારના વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર અને 27 વિભાગોના વિભાગ મુજબ બજેટ ઉપલબ્ધ કરાશે. બજેટની મહત્વની બાબતો, અંદાજપત્ર પ્રવચન, રસપ્રદ માહિતી પણ ગુજરાતી-અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાશે.