Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં કેવી અને કેટલી દારૂબંધી છે, તે સૌ જાણે છે, તેમાં પણ હાલમાં ચાલી રહેલા વિધાસભાસત્રમાં પણ દારૂ અને વધી રહેલા ગુન્હાઓ અંગેના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, અને હા…દારૂની પાર્ટીઓ સહિતના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર છે, જેના કારણે ગુજરાત દારૂબંધીના સરકારના દાવાઓ તો પોકળ સાબિત થઈ રહ્યા છે. અને ઉલટાનું રાજ્યમાં દારૂબંધીને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક આવા જ કારણો ને લઈને રાજ્યમાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા એ આદેશ જારી કરી તમામ જીલ્લાની પોલીસને દારુ જુગારના અડ્ડાઓ પર તૂટી પડવા એટલે કે દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ આપ્યો છે.પરંતુ વારંવાર થતા આવા આદેશની અસર કેટલી તે પણ સવાલો છે, રાજ્યના પોલીસ વડાએ દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કર્યો છે. જેથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 2 માર્ચથી 17 માર્ચ સુધી સ્પેશિયલ ડ્રાઈવ કરવાની સૂચના પોલીસને મળી છે. તેના માટે તમામ જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીએ આદેશ રાજ્યના પોલીસવડા દ્વારા કરી દેવામાં આવ્યા છે, એટલું જ નહીં, પોલીસ કમિશનર અને સ્ટેટ મોનિટરીંગ સેલને પણ આદેશ કરી દેવામાં આવ્યો છે.
સોમવારે પણ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં દારૂની રેલમછેલને લઈને સવાલો થયા હતા. જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ રેલમછેલ હોવાની વાત સામે આવી હતી. કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં 64932 લીટર દેશી દારૂ ઝડપાયો હોવાની વાત સામે આવી હતી, જ્યારે 446335 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હોવાનો ખુલાસો થયો હતો. તેમાં 27569 બિયરની બોટલો પણ જપ્ત કરાઈ છે. વિધાનસભા ગૃહમાં સરકારે કબૂલાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં અધધ દારૂનો જથ્થો ઠલવાયો છે.આમ હવે વિવાદને પગલે સ્પેશ્યલ ડ્રાઈવ બાદ શું યોગ્ય પરિણામ મળશે કે સ્થિતિ જૈસે થે જેવી જ રહેશે તે પણ જોવાનું છે.