Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યના ગૃહ વિભાગે અનોખો નિર્ણય લીધો છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ હવે પોલીસ અધિકારીઓને સરખી રીતે FIR કેમ લખવી તે અંગે શિક્ષણ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશનના ઓછામાં ઓછા ચાર પોલીસ અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. પોલીસને માત્ર FIR લખતા શીખવવા માટે સરકારે ચાર વર્ષના પ્રોજેક્ટ પાછળ રૂપિયા 4.80 કરોડ ખર્ચ કરશે. આ અંગે જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી પોલીસમાં ભરતી કરવામાં આવી હોવા છતાં સજાનો દર વધતો નથી અને એક સરખો રહ્યો છે. રાજ્ય પોલીસ વિભાગમાં ટેકનોલોજીમાં ખૂબ મોટુ ઈન્વેસ્ટેમેન્ટ કરવા છતાં ગુનાખોરીની પધ્ધતિને લગતી બાબતોમાં નક્કર તાલીમનો અભાવ જોવા મળ્યો છે.
FIR લખતા શીખવવાની તાલીમ આપવા 24 કલાક માટે કોલ સેન્ટર ઉભું કરાશે. જેમાં FIR સંદર્ભે પોલીસ અધિકારીને કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શનની જરૂર હોય તો તુરંત મદદ કરશે. કોલ સેન્ટરમાં સક્ષમ રિટાયર્ડ પોલીસ અધિકારીઓની નિમણૂંક કરાશે. જેને કારણે તેમના અનુભવનો લાભ મળશે. આ કોલ સેન્ટરની મદદ માટે ક્રિમિનલ એડવોકેટ, આઈટી અને અન્ય ખાસ નિષ્ણાતોની મદદ પણ લેવાશે. જેમાં સાયબર ક્રાઈમ, નાર્કોટિકસ, લાંચ રૂશ્વત વિરોધી દળ અને આર્થિક ગુના માટે ઉપયોગ થશે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા ઓનલાઈન FIR લખવાનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. જે આગામી દિવસોમાં અમલમાં આવશે. જેની જરૂરી સુચના સમગ્ર રાજ્યમાં ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજકોપ પર મુકવામાં આવતી FIRના ડેટાબેઝની મદદથી ક્યાં ભુલો થતી હતી તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ગુનાના પ્રકાર મુજબના પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેના આધારે FIR લખવામાં આવશે. આગામી સમયમાં ઓનલાઈન FIR લખવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
કેવી રીતે આપવામાં આવશે ટ્રેનિંગ ?
આ પ્રોજેક્ટ અંતર્ગત સજાનો દર વધારવા ચાર સ્તરીય પ્રોજેક્ટ હશે, FIRની ગુણવત્તા સુધાર કાર્યક્રમ અને રજિસ્ટર કેસની તપાસની તાલીમ અપાશે, FSL મજબૂત અને ઈન્સ્ટ્રોગેશન રૂમની સ્થાપના કરવામાં આવશે. ચાર્જશીટ સમયસર રજૂ કરવી તથા અદાલતી કાર્યવાહી ઝડપી બનાવવી વગેરે બાબતોનું માર્ગદર્શન અપાશે. FIRની ટ્રેનિંગ નીડ એસએસમેન્ટ એજન્સી પોગ્રામ દ્વારા વિવિધ નિષ્ણાતો, પોલીસ સ્ટેશનની મુલાકાત, FIRની સમીક્ષા અને અદાલતોના ચુકાદાનો અભ્યાસ કરીને આપવામાં આવશે. ટ્રેનિંગ બાદ નિષ્ણાતોના મતે FIR લખવામાં 50 ટકા જેટલો સુધારો થશે. FIRની ટ્રેનિંગની મુદત જે તે વિષયને આધારે કરવામાં આવશે. FIR ટ્રેનિંગ મોડ્યુલ નિષ્ણાતો અને ટ્રેનિંગ નીડ એસએસમેન્ટ એજન્સી તૈયાર કરશે.