Mysamachar.in-ગાંધીનગરઃ
હાલમાં રાજ્યના પાટનગર ખાતે વિધાનસભામાં શિયાળું સત્ર યોજાયું. દર વખતની જેમ આ વખતે પણ વિધાનસભામાં સત્તાપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે વાદ વિવાદ અને ચર્ચાઓ થઇ, કેટલાક બિલ પણ પસાર થયા, તો સવાલ જવાબ પણ થયા. વિધાનસભામાં પૂછાયેલા સવાલોના રૂપાણી સરકારે ઇમાનદારીથી જવાબ પણ આપ્યા, પરંતુ આ જવાબથી ગરવી ગુજરાતની વરવી વાસ્તવિક્તા સામે આવી છે. દુષ્કર્મની ઘટનાથી ગુજરાત સહિત દેશની જનતામાં રોષની લાગણી છે. એવામાં વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું છે રાજ્યમાં દર સાત કલાકે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. કેટલી શરમજનક વાત કહેવાય કે અન્ય રાજ્યોમાં વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષીત નથી. રાજ્યમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ મેટ્રો સિટી અમદાવાદમાં નોંધાયા છે.
શિયાળુ સત્રમાં બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગૃહ વિભાગનો હવાલો સંભાળતાં મુખ્યમંત્રી પાસેથી માંગેલી વિગતોના જવાબમાં આ આંકડા જાહેર થયાં છે. જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં 1 જુલાઇ 2014થી 30 જૂન 2019 દરમિયાન કુલ 6,116 બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ત્યાર બાદ સુરતમાં 759 ફરિયાદ નોંધાઇ છે જ્યારે ત્રીજા નંબર પર બનાસકાંઠામાં 420 ફરિયાદ નોંધાઇ છે. આ આંકડા અંગે સરકાર તરફથી પ્રતિક્રિયા આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યુવાન છોકરા-છોકરીઓ પ્રેમલગ્ન માટે ઘરેથી નીકળી જાય ત્યારે બળાત્કારની કલમ નોંધાતી હોવાથી આ આંકડો વધારે આવે છે. ગૃહમંત્રીની વાત મહદઅંશે સાચી પણ હશે પરંતુ વર્ષ 2014થી લઇને 2019 સુધી સતત દુષ્કર્મની ઘટના વધી રહી છે તેનું શું ? વર્ષ 2014-15માં બળાત્કારની 1097 ફરિયાદ નોંધાઇ હતી જ્યારે વર્ષ 2015-16માં 1103 ફરિયાદ નોંધાઇ હતી. આ આંકડાઓ દર વર્ષે વધતા જ રહ્યાં અને વર્ષ 2018-19માં 1477 ફરિયાદ નોંધાઇ છે.