Mysamachar.in-ગાંધીનગરઃ
ગુરુવારે મુખ્યમંત્રીએ મોટરવ્હીકલ એક્ટ અંતર્ગત કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. જેમાં 16 ચેકપોસ્ટ હટાવવી, લર્નિંગ લાયસન્સ માટે ITI કેન્દ્રોની જાહેરાત તથા RTOમાં થતી 7 જેટલી કામગીરી ઓનલાઇન કરવાનો સમાવેશ થાય છે. વર્ષ 2009-2010 પછીના ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો તેમના લાઇસન્સ રિન્યૂ કરવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત માહિતી, રિપ્લેશમેન્ટ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી ચાર સેવા ઓનલાઇન મેળવી શકાશે. વર્ષ 2009-10 પછીની RC બૂક ધરાવતા વાહન માલિકો ડુપ્લિકેટ RC બૂક, વાહન ઇન્ફર્મેશન અને હાઇપોથીકેશન રીમુઅલ જેવી ત્રણ સેવા ઓનલાઇન મેળવી શકાશે.એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન સંબંધિત સાત સેવાઓ માટે અરજદારે આરટીઓ કચેરીએ જવાનું રહેશે નહીં. પરંતુ ઘેરબેઠાં ઓનલાઇન અરજી કરવાથી મળી શકાશે. હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, ટેક્ષ અને ફીની ચૂકવણીની સેવા ઘરબેઠાં મેળવી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. આરટીઓની ઓનલાઇન કામગીરી થવાથી ભ્રષ્ટાચાર કાબુમાં આવશે, તો લોકોને ધક્કા ખાવા નહીં પડે અને કામગીરી ઝડપી પણ બનશે.