Mysamachar.in-ગાંધીનગરઃ
આ વખતે જાણે કે મેઘરાજા વધુ જ મહેરબાન હોય તેમ બેટિંગ કરી, જો કે વધુ વરસાદને કારણે રાજ્યમાં અતિવૃષ્ટીની સમસ્યા સર્જાઇ છે. જેવી રીતે દુષ્કાળનો સરવે કરી સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે છે તેવી જ રીતે અતિવૃષ્ટીનો સરવે કરી રાજ્ય સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ વળતર એવા ખેડૂતોને મળશે જેઓને સરકારના માપદંડ પ્રમાણે ખેતીમાં નુકશાન થયું છે. જે ખેડૂતોને ખેતીમાં 33 ટકાથી વધારે નુકસાન થયું છે તેઓને વળતરની ચૂકવણી કરાશે, આ વળતર મહત્તમ 2 હેક્ટર સુધી મળી શકશે. પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર 13 હજાર 500 રૂપિયા અને બિન પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર 6 હજાર 500 રૂપિયા ચૂકવણી થશે. સ્ટેટ ક્વોલિટી રીલીફ ફંડની જોગવાઇ પ્રમાણે વળતર ચૂકવવાની કાર્યવાહી થશે. જે તે જિલ્લા ક્લેક્ટર દ્વારા રીલીફ કમિશનરને દરખાસ્ત મોકલવામાં આવશે.
રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં અતિવૃષ્ટીના નુકસાનીનો સરવે પૂર્ણ થઇ ગયો છે, જો કે પોરબંદર, ઘેડ અને મોરબીમાં સરવેની કામગીરી બાકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પાક નુકસાનીના વળતરની જાહેરાત સામે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઇ આંબલિયાએ રાજ્ય સરકાર પર કેટલાક વેધક સવાલો કર્યો હતા, જેમાં તેઓએ પુછ્યું કે બે હેક્ટરની જ મર્યાદા શા માટે રાખવામાં આવી, 142 તાલુકાઓમાં 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે તો સરકાર દ્વારા લીલા દુષ્કાળની જાહેરાત શા માટે નથી કરવામાં આવી, બીજુ અત્યારે જાહેરાત કરવામાં આવી છે એ વળતર કોણ ચૂકવશે સરકાર કે પાક વીમા કંપનીઓ, સરકાર પાકવીમા કંપનીઓ વતી શા માટે ગુજરાતની જનતાના નાણાં ચૂકવે છે ?