Mysamachar.in-ગાંધીનગરઃ
બોર્ડની પરીક્ષા આવતાં જ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે. જો તમારા બાળકો પણ આ વખતે ધોરણ 10ની પરીક્ષા આપવાનો હોય તો તમારા માટે આ સમાચાર જાણવા ખાસ જરૂરી છે. રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવે ધોરણ-10ના બદલાયેલા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ બાબતે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે 2020ની બોર્ડની પરીક્ષા માટે 80/20ની પદ્ધતિનો અમલ કરવી, આ પદ્ધતિ અનુસાર આગામી ધોરણ-10ની બોર્ડની પરીક્ષા 80 ગુણની રહેશે, જ્યારે આંતરિક મુલ્યાંકનના 20 ગુણ શાળા કક્ષાએથી આપવાના રહેશે.એટલે કે બોર્ડમાં પાસ થવા માટે 35 માર્ક મેળવવા જરૂરી છે, જો શાળામાંથી વિદ્યાર્થીને 20 માર્ક આપી દેવામાં આવે અને બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી 15 માર્ક મેળવે તો તેનો ટોટલ 35 થઇ જાય.
રાજયની તમામ માધ્યમિક શાળાઓમાં માર્ચ 2020થી ધોરણ-10માં અમલીકરણ થયેલા નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ સંદર્ભે કરાયેલ પરિપત્ર મુજબ આગામી પરીક્ષા લેવામાં આવશે. નવી પદ્ધતિ અને સુધારાનો પત્ર પરીક્ષા સચિવે તમામ શાળાના આચાર્યોને જાણ કરવા સૂચના આપી છે. શૈક્ષણિક વર્ષ 2019-20થી SSCની પરીક્ષા પદ્ધતિ બદલાયેલી છે, તેમજ કેટલાક NCERTના પાઠ્ય પુસ્તકો અમલમાં આવ્યા છે. આ મામલે તમામ શાળાના આચાર્યોએ રેગ્યુલર અને ફરી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કયા પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે તેની સ્પષ્ટતા કરવા પણ કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા OMR પદ્ધતિ રદ કરી નવી પરીક્ષા પદ્ધતિની જાહેરાત કરાઈ હતી.
માર્ચ 2020થી પ્રથમ ભાષા ગુજરાતી, મરાઠી, સિંધી, તમિલ, તેલગુ, ઓડિયા, તેમજ દ્વિતિય ભાષા ગુજરાતી, હિન્દી, સિંધી, અંગ્રેજી સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, પર્શિયન, એરેબિક અને ઉર્દુના પાઠ્ય પુસ્તકોમાં કોઇ ફેરફાર નથી. પરંતુ પરીક્ષા પદ્ધતિ બદલાયેલી હોવાથી પુનરાવર્તિત ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીને 80 ગુણનું પ્રશ્ન પત્ર આપવામાં આવશે. જ્યારે શૈક્ષણિક વર્ષ 2019-20થી હિન્દી, અંગ્રેજી, ઉર્દુ પ્રથમ ભાષા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત જેવા વિષયોમાં એનસીઈઆરટી પેટર્નના નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવ્યા છે. આથી આ વિષયોમાં 80 ગુણનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. જ્યારે આ વિષયોમાં પુનરાવર્તિત વિદ્યાર્થીઓને જૂના પાઠ્યપુસ્તક આધારિત 80 ગુણનું પ્રશ્ન પત્ર આપવામાં આવશે.