Mysamachar.in-ગાંધીનગરઃ
ફરી એકવાર રાજ્ય સરકારના ભરતી કાર્યક્રમ પર સવાલો ઉઠ્યા છે, 10 લાખથી વધુ યુવાનો લાંબા સમયથી જે પરીક્ષાની રાહ જોઇ રહ્યાં હતા એ પરીક્ષા તારીખ જાહેર કર્યા બાદ અચાનક રદ કરી દેવાતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. 20 ઓક્ટોબરે યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા અચાનક રદ કરી દેવામાં આવતા યુવાનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જણાવાયું કે આ પરીક્ષા હાલ પૂરતી રદ કરાઇ છે, નવી તારીખો ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા ન કરાઇ, ભારે હોબાળો થતા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ તરફથી નવો ખુલાસો કરવામાં આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે કેમ પરીક્ષા રદ કરવામાં આવી છે. જો કે આ ખુલાસાથી ઉમેદવારો સંતુષ્ટ નથી અને ક્યાંક ખોટું થયું હોવાની લાગણી અનુભવી રહ્યાં છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરીક્ષા રદ કરવા સૂચના આવી છે. પરીક્ષા રદ કરવા પાછળ નવો ખુલાસો કરતા જણાવાયું કે શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જો શૈક્ષણિક લાયકાતમાં સુધારો આવે અને તે સ્નાતક કક્ષાનું થાય તો મૂળ જાહેરાત પ્રમાણે ધોરણ બાર પાસની લાયકાત ધરાવતાં ઘણાં અરજકર્તાઓની અરજી રદ્દ થવાં પાત્ર પણ ઠરે તેમ છે. જાહેરાત બહાર પડ્યાને એક વર્ષ થઇ ગયું છે, અને હવે સરકારના નિયમના બદલાવની સંભાવનાથી ઉમેદવારોને અનિશ્ચિતતા સતાવી શકે છે કે તેઓ અરજી કર્યાં બાદ પણ ભરતીને લાયક રહેશે કે નહીં. ગૌણ સેવા પસંદગી મંડળે તમામ નિવાસી એડિશનલ કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીએ ને સૂચના આપી દીધી છે. 10 લાખ 45 હજાર ઉમેદવારોને પરીક્ષા રદ અંગેની માહિતી વેબસાઈટ પર મુકાઈ છે.