Mysamachar.in-ગાંધીનગરઃ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આપેલા નિવેદન બાદ ગુજરાતમાં દારૂબંધી મુદ્દાને લઇને રાજકારણ ગરમાયું છે. ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા સૌથી વધુ દારૂની ખપત ગુજરાતમાં થાય છે, જો કે આ નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી આકરા સ્વરે વિરોધ નોંધાવ્યો અને માફી માગવાની વાત કરી, જો કે આ વિવાદ વચ્ચે હવે NCP નેતા શંકરસિંહે બળતામાં ઘી હોમ્યું છે, પત્રકારો સાથે વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે એ વાત સાચી પરંતુ રાજ્યનો એકપણ એવો વિસ્તાર નહીં હોય જ્યાં એક કિમીની અંદર પોટલી મળતી ન હોય.
ગાંધીનગર ખાતે બાપુએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે 'ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધીનું પાલન નથી. અશોક ગેહલોતે શાબ્દિક રીતે કંઇ કહ્યું હશે પરંતુ રાજ્યનો એક એવો એક કિલોમીટર પણ એવો નહીં હોય કે ત્યાં દારૂની પોટલીઓ નહીં મળતી હોય. હું ગાંધીનગરમાં રહું છું. જો રાજ્યપાલ અને મુખ્યમંત્રીનાં બંગલાની પાછળ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય તો દારૂબંધી કેવી. શરમ છે સરકારને અને દારૂબંધીને. આની પર ફરીથી વિચાર કરવો જોઇએ. આ દારૂબંધી રાખો કે દારૂબંધી કાઢો.આ બધી ડ્રામાબાજીમાં આપણી જાતને છેતરવાની વૃત્તિ છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા સમય પહેલા જ એક નિવેદનમાં જણાવ્યું કે વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતના આ નિવેદન બાદથી ગુજરાતમાં ભાજપની સરકારના પેટમાં તેલ રેડાયું અને મુખ્યમંત્રી લઇને અનેક નેતાઓએ કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા, મુખ્યમંત્રી રૂપાણીએ તો ગેહલોત માફી માગે તેવી માગ કરી હતી. બંને પક્ષો દ્વારા ભલે એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં હોય પરંતુ હાલ દારૂબંધીના મુદ્દાએ ભારે જોર પકડ્યું છે.