Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી સુશાસનની વાતો કર્યા બાદ હવે પારદર્શક વહીવટની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે,પરંતુ આમ પ્રજાને સૌથી વધુ મુશ્કેલીઓ પોલીસ વિભાગ તરફથી પડતી હોવાના સ્ફોટક ખુલાસા રાજ્યના માનવ અધિકાર આયોગને મળેલ ફરિયાદ અરજીમાં બહાર આવ્યું છે,
ગુજરાતમાં સામાન્ય પ્રજાનો જો કોઈ અવાજ સાંભળવાવાળું હોય તો તે પોલીસ છે અને સામાન્ય તકરારથી માંડીને ગુંડા તત્વોના ત્રાસમાંથી મુક્ત કરાવવાની વાત હોય કે આવારા તત્વોના ત્રાસમાંથી છોડાવાની વાત હોય ત્યારે પોલીસ પાસે પ્રજા દોડી જઈને ન્યાય માંગતી હોય છે,પરંતુ છેલ્લા 5 વર્ષમાં માનવ અધિકાર ભંગ અંગે રાજ્યભરમાંથી માનવ અધિકાર આયોગને મળેલી ૧૬,૬૪૧ અરજીઓમાંથી પોલીસ વિરુદ્ધ ૫૨૭૯ જેટલી અરજીઓ મળતા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે,જેમાં સૌથી વધુ અરજી ૨૦૧૬-૧૭માં મળી હોય સુશાસનની પોલ ખૂલી ગઈ છે,
બીજી બાજુ ગુંડા અને માફિયા તત્વોની સતામણી કે અન્ય પ્રવૃતિઓ અંગે આયોગને મળેલ અરજીઓની સંખ્યા ૨૨૮૧ જેટલી હોય પોલીસની સરખામણીમાં લગભગ અડધો-અડધ થવા પામી છે,અને બાજુ જુદા-જુદા જિલ્લા કે શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી આયોગને ૭૬૨ જેટલી અરજીઓ મળી હતી.જ્યારે ગાંધીનગરમાંથી ૧૭૧ અને સુરતમાંથી ૧૫૭ અરજીઓ મળી હતી અને સૌરાષ્ટ્રમાંથી પણ અરજીઓ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે,
આમ માનવાધિકાર આયોગને છેલ્લા પાંચ વર્ષમાં માફિયા તત્વો કરતાં પણ વધુ પોલીસ તંત્ર વિરુદ્ધ અરજીઓ મળી છે. પોલીસ વિરુદ્ધ મળેલી અરજીઓમાં અરજદારો દ્વારા પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ, કાયદેસર ના પગલાં લેવામાં નિષ્ફળતા, ગેરકાયદેસર અટકાયત-ધરપકડ તેમજ સત્તાનો આપખુદ ઉપયોગ જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.આમ એક બાજુ પોલીસને પ્રજાના મિત્ર બનાવવાની વાતો કરવામાં આવે છે,પરંતુ પોલીસ દ્વારા જ પ્રજાને વધુ પડતી કનડગત થતી હોવાના માનવ અધિકાર આયોગમાં આક્ષેપો સાથે અરજીઑ થઈ છે,જે તરફ સરકાર લક્ષ્ય આપીને સુધારાવાદી નિર્ણય લેવા માંગણી ઉઠી છે.