Mysamachar.in-ગાંધીનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકા સહિત રાજયમાં કુલ ૫૧ તાલુકા સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે,ત્યારે આ વર્ષે અપૂરતો અને ઓછો વરસાદ પડેલ હોવાથી ગામેગામ પીવાના પાણીની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે,ત્યારે પીવાના પાણીની સમસ્યાને લઈને રાજ્ય સરકારે દાવો કર્યો છે કે પાણી અંગે સરકારે ત્વરિત પગલાઓ લીધા છે,ત્યારે ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાને લઈને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને પાણી અને ઘાસચારાને લઇને સમીક્ષા બેઠક બોલાવીને આગામી પાણીની સમસ્યા નિવારવા માટે આયોજનની રણનીતિ ઘડવામાં આવી છે,
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ છે,ત્યારે જ પાણીની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી હોય આજે સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓની CM સાથે તાબડતોબ સમીક્ષા બેઠક યોજાયા બાદ અધિકારીઓ અને મુખ્યમંત્રીએ સંયુક્ત પ્રેસકોન્સફરન્સ કરી હતી જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે જો આપણી પાસે નર્મદાનું નેટવર્ક ન હોત તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું હોત,પરંતુ નર્મદા નેટવર્કના આધારે રાજ્યના છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડવામાં સરકાર સફળ રહી છે,
વધુમાં રૂપાણીએ જણાવ્યું કે રાજકોટના આજી ડેમ, મચ્છુ ડેમ બે-બે વાર અને જામનગરનો રણજીત સાગર ડેમ એક વાર ભર્યો છે.હજુ પણ જરૂર પડશે ત્યાં ડેમ ભરીને પાણી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી અને આ બેઠકમાં પાણી પૂરવઠા વિભાગના અગ્ર સચિવ જે પી ગુપ્તાએ જણાવ્યું કે ઉત્તરગુજરાતમાં માત્ર 10 ટકા જ પાણીનો જથ્થો છે. કચ્છમાં માત્ર બે ટકા જ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં માત્ર 10 ટકા જ પાણીનો જથ્થો છે.ત્યારે સૌરાષ્ટ્રમાં બ્રાંચ કેનાલ મારફતે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને આગામી સમયમાં નર્મદા ડેમમાંથી સૌરાષ્ટ્ર કેનાલમાં પાણી પહોંચાડવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે,
આમ,રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈને દાવાઓ કરવામાં આવી રહ્યા છે,ત્યારે જામનગર જિલ્લા સહિતના વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા વધુને વધુ વિકટ બનતી જતી હોય રોજેરોજ મારામારીથી માંડીને 2 કિમી સુધી મહિલાઓને પીવાના પાણી માટે દોડાદોડી કરવી પડતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ત્યારે પીવાના પાણી માટે સરકારના આયોજન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.