mysamachar.in-ગાંધીનગર:
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ વર્ષે નબળા વર્ષના કારણે લોકોમાં જોઈએ તેટલી રોનક જોવા મળતી નથી, બજારોમાં પણ આજ સુધી ઘરાકીનો માહોલ જોવા મળતો નથી તેવામાં બીજી બાજુ સરકારી તંત્રમાં ભેટ-સોગાદ લેવા-દેવાની પ્રથાનું દૂષણ પગપેસરો કરી જતા સરકારી બાબુમાં યેનકેન પ્રકારે ભેટ-સોગાદો મેળવવા માટે દબાણ કરીને આગ્રહ રાખતા હોવાનું ઘણીવાર સામે આવ્યું છે,ત્યારે આ વખતે સરકારી કર્મચારીઓને ભેટ-સોગાદ ન સ્વીકારવા માટે સરકારના શ્રમ અને રોજગાર વિભાગે ફતવો બહાર પાડવાની ફરજ પડી છે,
આગામી દિવાળીના તહેવાર નિમિતે સરકારી કર્મચારીઓ દ્વારા ભેટ સોગાદો નહીં સ્વીકારવા અંગે પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના ઉપસચિવએ કર્યો છે, જે અન્વયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ સ્થાયી સૂચનાઓ તેમજ ગુજરાત રાજ્ય સેવાના જુદા-જુદા નિયમોની જોગવાઈઓનો હવાલો ટાંકીને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના ઉપસચિવ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે,
જેમાં દિવાળીના તહેવાર નિમિતે કોઈ પણ સરકારી કર્મચારી, અધિકારી કોઈ ભેટ સ્વીકારી શકશે નહીં અથવા પોતાના કોઈ કુટુંબીજનને તેમજ કર્મચારી, અધિકારી વતી કામ કરતી કોઈ પણ વ્યકિતને ભેટ સ્વીકારવાની છૂટ પણ આપી શકશે નહીં, જે ધ્યાને લઈને દિવાળીના તહેવારમાં ભેટ સોગાદો સ્વીકારવાની રહેશે નહીં તેવી સૂચના અપાઈ છે,
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોની મૌસમમાં અમુક સરકારી કચેરીઓ તો ભેટ સોગાદો લેવા માટે ખૂબ જાણીતી છે અને અમુક કર્મચારીઓ અને અધિકારીઓએ તો કંપનીઓ અને અલગ-અલગ જગ્યાઓએ થી પ્રતિવર્ષ આવતી ભેટની રાહ જોઈને પણ બેઠા હોય છે ત્યારે આ વર્ષ સરકારના ફતવા ભેટ અને સોગાદો સ્વીકારવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.