mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિર્ણય ની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં નવા પેટ્રોલ પંપ શરૂ કરવા ઇચ્છતા ડીલર્સને પેટ્રોલ-ડિઝલના ખરીદ સંગ્રહ અને વેચાણ માટે રાજ્ય સરકારનો નવો પરવાનો લેવામાંથી મુકિત આપવાની જાહેરાત કરવામાં આવી છે,
સરકારના આ નિર્ણય અનુસાર હવેથી નવા પેટ્રોલ પંપ શરૂ કરવા ઇચ્છતા ડીલર્સે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના આવશ્યક ચીજવસ્તુ પરવાનો સંગ્રહ-જથ્થા જાહેરાત હુકમ-૧૯૮૧ અનુસાર લેવાનો થતો પરવાનો લેવાનો રહેશે નહિ.એટલું જ નહિ, રાજ્યમાં પેટ્રોલ ડિલર્સ-પેટ્રોલ પંપ ધારકોએ તેમના હયાત પેટ્રોલ પંપના પરવાનાની મૂદત પૂરી થતાં તે રિન્યુ પણ નહી કરાવવો પડે તેવી સ્પષ્ટતા પણ કરાઈ છે,
રાજ્યમાં ગ્રાહકોને ગુણવત્તાયુકત પેટ્રોલ-ડિઝલ પુરૂં પાડવા માટે પેટ્રોલ પંપ ધારકોએ ઓઇલ માર્કેટીંગ કંપનીઝની માર્કેટીંગ ડિસીપ્લીન ગાઇડ લાઇન્સ અને ડિલરશીપ એગ્રીમેન્ટની જોગવાઇઓનું પાલન કરવાનું રહેશે.રાજ્ય સરકારના અધિકારીઓની પેટ્રોલ-ડિઝલ પંપની તપાસ, નિરીક્ષણ કરવાની સત્તાઓ યથાવત રાખવામાં આવી છે,…પેટ્રોલ પંપ ધારકોએ પેટ્રોલ પંપની સેફટી માટે પેટ્રોલિયમ એન્ડ એકસપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન-ડિર્પાટમેન્ટ ઓફ એકસપ્લોઝિવની પણ નિયમાનુસાર અનુમતિ લેવાની રહેશે.
રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના આવશ્યક ચીજવસ્તુઓ ડિલર્સ (રેગ્યુલેશન) હુકમ-૧૯૭૭ અનુસાર પેટ્રોલ-ડિઝલના ખરીદ અને વેચાણ માટે ડિલર્સ/ટ્રાન્સપોર્ટર ગેરરીતિ આચરે નહી અને ગ્રાહકોને પંપ ધારકો ગુણવત્તાયુકત પેટ્રોલ પુરૂં પાડે તે માટે ડિલરે ડિઝલ પેટ્રોલના સ્ટોકની આવક-જાવક અને વિતરણનું જરૂરી રેકોર્ડ રજિસ્ટર તથા દસ્તાવેજ નિભાવવાના રહેશે. રાજ્ય સરકારની પેટ્રોલ/ડિઝલ પંપની તપાસ તથા જરૂરી પુસ્તકો, રજિસ્ટર, અન્ય રેકોર્ડ તથા દસ્તાવેજોનું નિરિક્ષણ કરવાની તથા જથ્થો જપ્ત કરવાની સત્તા યથાવત રાખવામાં આવી છે..
ભારતના ૧ર રાજ્યો પંજાબ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, ગોવા, ઓરિસ્સા અને ઉત્તરાખંડ તેમજ પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો પોંડીચેરી, આંદામાન-નિકોબાર, દીવ-દમણ અને લક્ષદ્વિપમાં આ પ્રથા હાલ અમલમાં છે.