mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકાર માટે એક બાજુ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો ફી વધારાના મુદ્દે માથાનો દુઃખાવો બની ગઈ છે તેવામાં સરકાર દ્વારા જ માન્યતા પ્રાપ્ત આવી ખાનગી સ્કૂલો માન જાળવતી નથી અને નિયમોનો ઉલાળ્યો કરીને સ્કૂલો ચલાવવામાં આવી રહી છે,ત્યારે આગામી સત્રથી ખાનગી સ્કૂલોને મંજૂરી આપવાની જાહેરાત સાથે સરકારે સ્કૂલ સંચાલક પાસે માલિકીનું રમત-ગમતનું મેદાન અને પાર્કિંગની જગ્યા હશે તો જ મંજૂરી આપવામાં આવશે તેવો નવો ફતવો વધુ એક વખત બહાર પાડ્યો છે,
સરકાર દ્વારા અગાઉ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને મંજૂરી આપવા સમયે છૂટછાટ આપવામાં આવેલી હતી જે અન્વયે રમત-ગમતનું મેદાન,પાર્કિંગ સુવિધા વગેરે ભાડા કરાર આધારિત હોવાની જોગવાઈ કરવામાં આવેલ હતી,છતાં સરકારના આ નિયમોને પણ ખાનગી શાળા સંચાલક મંડળો ઘોળીને પી ગયા છે અને સરકારના જૂના નિયમોનું પણ પાલન કરાતું નથી,
ત્યારે ૨૦૧૯ માટે નવી માધ્યમિક સ્કૂલોની મંજૂરીના નિયમોમાં ફેરફાર કરીને શાળા સંચાલક મંડળની પોતાની માલિકીનું શહેરી વિસ્તારમાં ૧૨૦૦ ચો.મી.અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૦૦ ચો.મી.ખુલ્લુ રમત-ગમતનું મેદાન અને સ્કૂલના મકાનના બાંધકામને બાદ કરતાં ખુલ્લી જગ્યા હોવી જોઈએ ઉપરાંત શહેરોમાં પાર્કિંગને લઈને હાઇકોર્ટએ લાલ આંખ કરતાં હવે સ્કૂલની માલીકીની પાર્કિંગની જગ્યા પણ ફરજિયાત હોવી જોઈએ તેવી જોગવાઈનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે,ત્યારે સરકારના આ નવા નિયમોની અમલવારી કેટલી થશે તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે,
શિક્ષણ અંગે સરકારની નીતિ સ્પષ્ટ થતી નથી?
રાજ્ય સરકાર દ્વારા એક બાજુ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોના હાટડા ખોલવા માટે મંજૂરી આપે છે અને તેના પર સરકારનું કોઈપણ જાતનું નિયંત્રણ નથી તે તાજેતરમાં ફી વધારાના મુદ્દે સામે આવ્યું છે,તેવામાં સરકારી માધ્યમિક શાળાના શિક્ષણનું સ્તર સાવ કથળતું જતું હોય તેમ સરકારી શિક્ષણની હાલત ખરાબ છે જેના પુરાવારૂપે તાજેતરમાં દાહોદ અને નર્મદા જીલ્લામાં બોર્ડમાં સતત ઓછું પરિણામ આવતું હોવાથી આ જીલ્લાના શિક્ષકોની ૧૦ વર્ષ સુધી બદલી ન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે સરકાર શું કરવા માંગે છે તે બાબત સ્પષ્ટ થતી ના હોય તેવું પ્રજાને લાગી રહ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.