Mysamachar.in:સુરેન્દ્રનગર
રાજ્યમાં દરરોજ અકસ્માતોની ઘટનાઓ વધતી જાય છે અને તંત્રો માર્ગ સલામતી સપ્તાહની વર્ષે એક વાર ઉજવણી કરી મજા કરે છે, હા કોઈ નક્કર કાર્યવાહી અકસ્માતોની સંખ્યા ઘટાડવા પાછળ થતી નથી તે વાસ્તવિકતા છે. એવામાં આજે એક ગમખ્વાર અકસ્માત થતા..થતા..રહી ગયો..વાત છે…સુરેન્દ્રનગર જિલ્લાની જ્યાં લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજે 35થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એસટી બસ સુરતથી જૂનાગઢ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનો વચ્ચે ટક્કર થતા એક તબક્કે એસટી બેસેલા અંદાજે 35થી વધુ મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો..અને મોટી દુર્ઘટના થતા ટળી હતી અને તમામનો આબાદ બચાવ થતાં મોટી જાનહાની ટળી હતી.