Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ માટે કડક નિયમોની જાહેરાત કરી. જેમાં મંત્રીઓએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. વિભાગોની ફાળવણી બાદ આજે પહેલી કેબિનેટ બેઠક હતી. જેમાં મુખ્યમંત્રીએ પોતાના સાથી મંત્રીઓ માટે કેટલાક નિયમોનું પાલન ફરજીયાત કરાવ્યું છે, જે આગામી સોમવારથી લાગુ પડશે.
જેમાં દરેક મંત્રીઓએ સોમવારે સામાન્ય મુલાકાતી માટે દિવસ ફાળવવાનો રહેશે. પહેલા પણ આ નિયમ હતો પણ તેનું પાલન નહોતું થતું, જયારે મંગળવારે ફક્ત ધારાસભ્યો અને તેમની સાથેના રજૂઆત કરનારાને જ મળી શકાશે, તો મુલાકાતીઓ મંત્રીઓની ચેમ્બરમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે, મંત્રીઓએ ફરજીયાત શુક્રવાર સાંજ સુધી મંત્રાલયમાં રહેવું પડશે અને તેમના વિભાગોની સમીક્ષા બેઠક અને કામગીરી માટે અલગ સમય ફાળવવાનો રહેશે, બુધવારે કેબિનેટ બાદ મંત્રીઓ મુખ્યમંત્રીને મળી શકશે અને વધુ ઈમરજન્સી સિવાય મુખ્યમંત્રી સાથેની મુલાકાતો પર રોક લગાવવા નિર્ણય લેવાયો છે.
જો કે આમાંથી કેટલાક નિયમો વર્ષોથી અમલમાં હતા પરંતુ ગત ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુલાકાતીઓ માટે સચિવાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જેના કારણે મુલાકાતીઓનો સતત ધસારો જોવા મળ્યો હતો. આ ભીડના કારણે મંત્રીઓ પોતાના કામ પર પૂરતું ધ્યાન આપી ન શક્યાની પણ ફરિયાદો મળી હતી. ખુદ મુખ્યમંત્રી પણ પોતાના વિભાગો પ્રત્યે પૂરું ધ્યાન આપી શક્યા નહોતા. જેના લીધે આ વખતે શરૂઆતથી જ તકેદારી રાખવામાં આવી છે અને મંત્રીઓને પણ તેની જાણ આજે કરી દેવામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલેથી જ મંત્રીઓને નિયમો સમજાવી તેનું પાલન કરવા સૂચના આપી છે અને આગામી સોમવારથી તેનો અમલ પણ થઈ જશે ત્યારે મુખ્યમંત્રીની આ સૂચનાનો કોણ કેટલો અમલ કરશે તે જોવાનું રહેશે.