Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત રાજ્યભરમાં રખડતાં પશુઓનાં ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે વડી અદાલત સરકાર તથા પોલીસ વિભાગ પ્રત્યે વારંવાર કડક વલણ અપનાવી રહી છે. જે અનુસંધાને રાજ્યનાં પોલીસવડાએ તમામ જિલ્લાઓના પોલીસવડાઓ સહિતના સર્વે પોલીસ અધિકારીઓને આ મુદ્દે સખત સૂચનાઓ આપી છે.
રાજ્યનાં પોલીસવડા આશિષ ભાટિયાએ તાજેતરમાં તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી રખડતાં પશુઓનાં મુદ્દે જાહેરમાં, રસ્તાઓ પર ઘાસચારો વેચનારાઓ અને પશુઓનાં માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચનાઓ આપી હતી. આશિષ ભાટિયાએ કહ્યું કે, રખડતાં પશુઓનાં માલિકો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. અને, જરૂર પડે તેવાં કિસ્સાઓમાં પશુમાલિકો અથવા જાહેરમાં કે રસ્તાઓ પર ઘાસચારો વેચનારાઓ સામે ‘ પાસા’ નો ઉપયોગ કરવામાં આવે એવી સૂચના પણ આપવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રખડતાં પશુઓની સમસ્યાનો અંત લાવવા પોલીસ અધિકારીઓને ખાસ ટીમ બનાવવા કહેવામાં આવ્યું છે. આ સાથે જ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પણ રખડતાં પશુઓનાં કારણે અકસ્માતો થવાની સંભાવના હોય તેવાં સ્થળોની અલગથી યાદીઓ તૈયાર કરવામાં આવે તથા કોર્પોરેશન સહિતની સ્થાનિક એજન્સીઓ સાથે મળીને આવા સ્થળોએ ખાસ દેખરેખ રાખવામાં આવે એવી સૂચના પણ આપવામાં આવી છે. પોલીસવડાએ રખડતાં પશુઓ એકત્ર થતાં હોય એવાં સ્થળોએ પોલીસને ફૂટ પેટ્રોલિંગની સૂચના પણ આપી છે.