Mysamachar.in-સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં આવેલી સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડવાના ઇરાદે ફરતા સાત શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરનો વિપુલ સોની નામનો શખ્સ અન્ય તેના સાગરીતો સાથે મળી સોનાની લૂંટ કે ચોરીના બનાવને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો છે. રાજકોટ પોલીસની બાતમીના આધારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે રિવરફ્રન્ટ રોડ પરથી ગેંગના સાતેય શખ્સોને દબોચી લીધા હતા. સુરેન્દ્રનગરના વિપુલ સોનીએ ધાડ પાડવાના ઇરાદે વેળાવદર, જુનાગઢ , અમરેલીના શખ્સો સાથે મળી પ્લાન બનાવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર પતરાવાળી ચોકમાં આવેલી શિવાજી નામની સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગના સભ્યો પાસેથી એરગની, 4 છરી, 6 મોબાઇલ ફોન તથા ત્રણ થેલા સહીતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સાતેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.
ઝડપાયેલ શખસોમાં વિપુલ ઉર્ફે લાલો ભુપેન્દ્રભાઇ, અજીતસિંહ સોલંકી, રાજ મોરી અભિષેક સુરૂ,રજનીક કાનાણી, હરેશ હડીયલ અને લાલપુરના સાગરદાન બાટીનો પણ સમાવેશ થાય છે, જે આરોપીઓ પકડાયા છે તે પૈકી એક આરોપી લૂંટના ગુનાને અંજામ આપી ચૂકયો છે તો બીજો એક આરોપી હત્યા અને ત્રીજો આરોપી છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપીઓ પાસે લૂંટ કરવા માટે સાચી રિવોલ્વોર ન હતી આથી એરગનની મદદથી લૂંટ કરવાનો તેઓએ પ્લાન બનાવ્યો હતો. જાણવા એવું પણ મળી રહ્યું છે કે મોટાભાગના આરોપીઓ એક યા બીજી રીતે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા. તેમને દેવું પણ થઇ ગયું હતું. આ એક લૂંટનો પ્લાન કારગત નીવડી જાય તો બધાયના દેણા પૂરા થઇ જાય તેવી આશાએ વધુ એક ગુનો આચરવાનો કારસો રચ્યો હતો.જો કે પોલીસે આ કારસો નાકામ બનાવી દીધો છે.