Mysamachar.in-દુર્ગેશ મહેતા:સુરેન્દ્રનગર
ઉત્તરાખંડમાં બદ્રીનાથ ખાતે દર્શનાર્થે ગયેલા સુરેન્દ્રનગરના ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે, યુવકો જે ગાડીમાં સવાર હતા તે ગાડી 300 મીટર ઊંડી અલકનંદાની ખીણમાં પડી હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, બીજા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, અન્ય એક યુવક અને ડ્રાઈવરની શોધખોળ હજી પણ ચાલુ છે. ઘટનાની જાણ થતા જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી અને સુરેન્દ્રનગર શહેરના મહામંત્રી જગદીશભાઇ મકવાણાના સંપર્કમાં રહી ઝડપી કાર્યવાહી હાથ ધરાઇ છે. આ દુ:ખદ સમાચાર મળતા જ તુરંત એક ટીમ બનાવીને પ્લેન મારફતે દહેરાદૂન જવા રવાના કરી છે.
સુરેન્દ્રનગરના મૃગેશ રાઠોડ, હિતેનદ્રસિંહ ચૌહાણ અને ક્રિપાલસિંહ ઝાલા નામના ત્રણ યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયા હતા. ત્યારે પાછા ફરતા સમયે તેમની ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. જ્યારે કે હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેનો હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે કે ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ખીણમાં ગુમ છે. તેઓની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહેલી કાર હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.