Mysamachar.in-સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર 10 દિવસમાં બે ટ્રકચાલકોને છરી બતાવી કિંમતી માલસામાનની લૂંટ થવાની ઘટના સામે આવતા પોલીસ વધુ એલર્ટ બની હતી, જેમાં અમદાવાદના 4 શખ્સો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો કરી રૂપિયા 4 લાખથી વધુનો સામાન તેમજ કાર સહીત કુલ રૂપિયા 15,87,218 ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા છે, લીંબડી હાઇવે પર ટ્રકમાંથી લૂટ થઇ તેમાં ફરીયાદી ચાલક કિરણ પટેલ રાહુલ નરભેરામ પરમાર પણ લૂંટમાં સંડોવાયેલો અને તેના 3 મિત્રો સાથે મળી પ્લાન ઘડ્યો હોવાનું ખૂલયૂં હતું. અમદાવાદ રાજકોટ હાઇવે પર 1લી જુલાઇએ ટ્રકને આંતરી કારમાં આવેલા શખ્સોએ ક્લીનર અને ચાલકને છરી બતાવી ડોળીયા પાસે મોબાઇલ, એલસીડી ટીવી સહીતના રૂપિયા 2 લાખથી વધુના પાર્સલની ચોરી કરી હતી. આ લૂંટનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમ બનાવી તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા.
જેમાં હાઇવે પરના સીસીટીવી કેમેરા તેમજ ટેકનીકલ સોર્સની મદદથી લૂંટમાં અમદાવાદ સરખેજ વિસ્તારમાં રહેતા 4 શિવમ ઉર્ફે શિવો ભાવેશભાઇ પટેલ, કિરણ લલિત પરમાર, દુપેશ ત્રિભોવનભાઇ જાદવ અને શખ્સોને એલસીબી ટીમે સરખેજ વિસ્તારમાંથી દબોચી લીધા હતા. તેમની પાસેથી 42 અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન, એપલ કંપનીની 4 વોચ,5 હાર્ડ ડીસ્ક, એલઇડી ટીવી નંગ 4 અને એક એપલનું આઇપેડ સહીત રૂપિયા 4,34,218નો લૂંટનો મુદ્દામાલ, 53,000 રોકડા તથા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર કિંમત રૂપિયા 11 લાખ સહીત કુલ રૂપિયા 15,87,218નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં અગાઉ 22 જૂનના રોજ બગોદરા નજીક કલ્યાણગઢ પાસે ટ્રકમાંથી જીયો કંપનીના સીમકાર્ડના કાર્ટુનની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી. આથી આ ચારેય શખ્સોની પુછપરછ દરમિયાન લૂંટના બીજા ગુનાઓના પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.