Mysamachar.in-રાજકોટ;
રાજકોટ જિલ્લાના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવેલ હાલતમાં મળી આવતા આ મામલાએ ભારે ચકચાર જગાવી છે, યુવતીની હત્યા નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે, પોલીસને આ મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું કે આ બનાવ તો હત્યાનો છે, જેથી પોલીસે હત્યા અને પુરાવાના નાશ અંગેની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વાત એવી છે કે રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખામટા ગામની ધાર પર ભરત વિરમગામાની માલિકીની ખુલ્લી જગ્યામાંથી અજાણી આશરે 17 થી 30 વર્ષની સ્ત્રીનો સળગેલી હાલતમાં મૃતદેહ પડ્યો છે. પોલીસે બનાવ સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી અને FSLની ટીમે સ્થળ પરથી નમૂના લીધા હતા. જે બાદ મૃતદેહ રાજકોટ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આ સ્ત્રીની હત્યા કરવામાં આવી છે. જેથી કોઈ અજાણ્યા શખ્સોએ મહિલાની હત્યા કરી લાશ સળગાવી નાખી અથવા તો જીવતી હાલતમાં મહિલાને સળગાવી નાખી એ મુજબની ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં હત્યાની કલમ આઇપીસી 302 અને પુરાવાના નાશ કરવાની કલમ 201 લગાવાઈ છે.
બીજી તરફ પોલીસે આસપાસના જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયગાળામાં ગુમ થનાર યુવતીઓની યાદી મંગાવી છે. અને તપાસ હાથ ધરી છે. તો વધુમાં આરોપી જલ્દી ઝપેટમાં આવે તે માટે રાજકોટ જામનગર હાઇવે રોડ પરના સીસીટીવી, ખામટા ગામના સીસીટીવી સહીત ઈલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.