Mysamachar.in-રાજકોટ:
રાજકોટમાં બે દિવસ દિવ્ય દરબાર યોજનાર બાબા બાગેશ્વર – ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટ પોલીસમાં એક અરજી દાખલ કરવામાં આવી છે ! એક પત્રકાર દ્વારા આ અરજી કરવામાં આવી છે. અરજદાર કહે છે : બાબાએ મારાં રૂ. 13,000 ખંખેરી લીધા છે !
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં કાલે શુક્રવારે રાજકોટનાં એક પત્રકાર હેમલ વિઠલાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ એક અરજી દાખલ કરી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગરમાં એક શ્રધ્ધાળુ મંદિર બનાવવા ઈચ્છતા હોય તેઓને નાણાંકીય સહાય કરવા બાબા બાગેશ્વર દ્વારા દિવ્ય દરબારમાં નાણાં એકત્ર કરવામાં આવી રહ્યા હતાં. તે દરમિયાન એક પત્રકારના રૂ. 13,000 નો ઘડોલાડવો થયો હોવાનું આ અરજીમાં જણાવવામાં આવ્યું છે.
રાજકોટમાં મારૂતિનગર વિસ્તારમાં રહેતાં પત્રકાર હેમલ વિઠલાણીએ આ અરજીમાં જણાવ્યું છે કે, બાબાએ મને સંમોહિત કરી લીધો હતો, મંચ પર બોલાવી લીધો હતો અને સંમોહિત સ્થિતિમાં મારી પાસે ખિસ્સું ખાલી કરાવી મારાં 13,000 રૂપિયા લઈ લીધાં છે ! આયોજકોએ મારાં આ નાણાં મને પરત આપ્યા નથી. મંચ પર હું નાણાં ન આપું અને મને કોઈ દિવ્ય શક્તિથી બાબા વશમાં કરી લ્યે તો ?! એ વિચારે ડરી મેં નાણાં આપી દીધાં હતાં !
આ અરજીનાં અંતમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારની છેતરપિંડી કોઈ અન્ય સાથે ન થાય અને મને મારાં નાણાં પરત મળી જાય, એ અપેક્ષાએ આ અરજી કરવામાં આવી છે એમ અરજદાર પત્રકારે જણાવ્યું છે. આ અરજીને પગલે ચકચાર મચી છે. રાજકોટ પોલીસ આ અરજી પછી શું કાર્યવાહી કરે છે ? તેનાં પર સૌની નજર છે.