Mysamachar.in:રાજકોટ
2000ની નોટ હજુ ચલણમાં છે અને ચલણમાં રહેલ કોઈપણ નોટ કે સિક્કાનો સ્વીકાર કોઈપણ વેપારી કે બેંક વગેરેએ કરવો પડે જો સ્વીકૃત ચલણ સ્વીકારવાનો કોઈ ઇનકાર કરે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે તેવું ઉદાહરણ રાજકોટમાં સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.પી.સોનારાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જવાનું હોય પોતે એક દિવસની રજા પર હતા અને પોતાને બૂટની જરૂરિયાત હોવાથી રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આવેલી અજન્તા ફૂટવેર નામની દુકાને ગયા હતા અને ત્યાંથી બે જોડી બૂટ ખરીદ કર્યા હતા અને તેનું રૂ.4320નું બિલ બનતા કાઉન્ટર પર બિલ ચૂકવવા ગયા હતા અને રૂ.2 હજારની નોટ આપતાં કાઉન્ટર પરના કર્મચારીએ અમે રૂ.2 હજારની નોટ સ્વીકારતા નથી તેમ કહ્યું હતું અને સામેના કાઉન્ટર પર અંગ્રેજીમાં લખ્યું હતું કે, ‘વી ડોન્ટ એક્સેપ્ટ એ નોટ ઓફ રૂ.2000’. જેથી પીએસઆઇ સોનારાએ કાઉન્ટર પરના કર્મચારીને કહ્યું હતું કે, તમે આવું સ્ટિકર લગાવી ન શકો,
જે બાદ પીએસઆઇ સોનારાએ મેનેજરને ફોન કરીને વાત કરતાં મેનેજરે પણ રૂ.2 હજારની નોટ લેતા નથી તેમ કહેતાં પીએસઆઇ સોનારાએ કહ્યું હતું કે, આરબીઆઇએ કરેલી જાહેરાત મુજબ 30 સપ્ટેમ્બર 2023 સુધી રૂ.2 હજારની નોટ ચલણમાં છે તમારે સ્વીકારવી પડે અન્યથા તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તો શો-રૂમના મેનેજરએ કંઇ વાંધો નહીં તેમ કહેતા પીએસઆઇ સોનારાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લેખિતમાં ફરિયાદ અરજી આપી છે.