Mysamachar.in:રાજકોટ
જામનગર જિલ્લાનાં બે શખ્સો પોતાનો ગુનાખોરીનો બિઝનેસ કરવા, રોજ અપડાઉન કરતાં, રોજ રાજકોટ જતાં, આખરે ચીલઝડપના આ બંને આરોપીઓ રાજકોટ પોલીસનાં હાથમાં આવી ચડયા છે. રાજકોટ પોલીસે જાહેર કર્યું છે કે, જામનગર જિલ્લાના બે શખ્સો ચીલઝડપનાં ગુનાઓને અંજામ આપવા, જામનગર જિલ્લામાંથી રાજકોટ આવતાં ! આ શખ્સો મોડી રાત્રે અથવા વહેલી સવારે શિકાર શોધી લેતાં, હાથ અજમાવી પરત જતાં રહેતાં હતાં. પોલીસે આ બંને શખ્સોને ઝડપી લેતાં, ચીલઝડપના એકસાથે 13 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.
રાજકોટ પોલીસે જાહેર કર્યું છે કે, આ બે શખ્સો પૈકી એક લૈયારા ગામનો છે જેનું નામ આસિફ ખેરાણી છે. બીજો શખ્સ ધ્રોલનો છે, જેનું નામ ગોવિંદ ધામેચા. આ શખ્સોએ છેલ્લાં એક વર્ષ દરમિયાન અલગ અલગ તેર સ્થળોએ ચીલઝડપ કરી છે. આ શખ્સો ચીલઝડપને અંજામ આપવા જામનગર જિલ્લામાંથી બાઈક પર રાજકોટ આવતાં અને ગુનો આચરી બાઈક પર પરત જામનગર તરફ જતાં રહેતાં. પોલીસે ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવતું આ બાઈક પણ કબજે લીધું છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ શખ્સો પાસેથી બાઈક સહિત કુલ રૂ.6.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. જેમાં સોનાનાં એક ચેઈન અને સોનાનાં આઠ નંગ ઠોળિયાનો સમાવેશ થાય છે. આ બંનેની રાજકોટ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ શખ્સોએ અન્ય કોઈ ગુનાઓ આચર્યા છે કે કેમ ? વગેરે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.