Mysamachar.in:રાજકોટ
સૌરાષ્ટ્રમાં તથા આદિવાસી વિસ્તારોમાં તેમજ સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને અશિક્ષિત તથા પછાત વિસ્તારોમાં અંધશ્રદ્ધાનાં કિસ્સાઓ અવારનવાર બનતાં રહે છે. આજનાં ડિજિટલ યુગમાં પણ આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે જાહેર થતી રહે છે. આવી એક ઘટના જસદણ નજીકનાં વીંછીયા ગામનાં વાડી વિસ્તારમાં બનતાં, જસદણ પંથક ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટનાની જાહેર થયેલી વિગતો અનુસાર, એક મકવાણા દંપતિએ પોતાના હાથે, પોતાના બંનેનો જિવ આપ્યો છે. હવનકુંડમાં ખુદનાં માથાંઓ હોમ્યા ! આ ઘટનાને કમળપૂજા તરીકે ગજાવવામાં આવી છે. આ કહેવાતી ધાર્મિક વિધિ દરમિયાન, પોતાનાં માથાંની યજ્ઞમાં આહુતિ આપવા આ દંપતિએ એક વિશાળ યાંત્રિક સાધનનો ઉપયોગ કર્યો હતો ! આ સાધન તેઓએ જાતે એક દોરી વડે ઓપરેટ કર્યું. અને, વજનદાર અને ધારદાર બ્લેડ વડે પોતાના જ ડોકાં ઉડાવી દીધાં ! આ સ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે.
આ દંપતિ છેલ્લાં ઘણાં દિવસોથી આ સમગ્ર આયોજન, કાયમી પૂજા, ધૂપદીપ વગેરે ધાર્મિક વિધિઓ આ સ્થળે કરતું હતું. તેઓએ એક વાડીમાં પ્લાસ્ટિકની આડશો વડે એક ઝૂંપડા જેવું રહેણાંક બનાવ્યું હતું. જ્યાં આ બધી વિધિઓ લાંબા સમય સુધી ચાલતી રહી ! તોતિંગ મશીનરી જેવી આ બ્લેડ વગેરે ગોઠવાઈ ગયું ત્યાં સુધી કોઈને શંકા પણ ન ગઈ, એ પણ એક અચરજ લેખી શકાય. આ મશીન જેવો માંચડો અંદાજે 200 મણનો અને લોખંડનો હોવાનું જાહેર થયું છે.
આ પ્રકારની ઘટના રાતોરાત ન બની હોય, કેટલાંક લોકો આ ઘટનાક્રમમાં સાક્ષી પણ હોય શકે ! હેમુ મકવાણા અને હંસા મકવાણા નામના આ દંપતિએ પોતાના પુત્ર તથા પુત્રવધૂને આ ઘટના પૂર્વે જ બહારગામ મોકલી દીધાં હતાં. આ કહેવાતી ધાર્મિક વિધિ દરમિયાન, બ્લેડ વડે કપાયેલું મહિલાનું માથું હવનકુંડમાં પડ્યું હતું જ્યારે તેનાં પતિનું માથું હવનકુંડ નજીક કપાયેલું મળી આવ્યું છે ! આ સ્થળેથી અલગ અલગ મૂર્તિઓ, ભગવાનનાં ફોટા, અગરબત્તી સહિતની પૂજાની સામગ્રી વગેરે મળી આવ્યું છે.
આ સ્થળેથી બે પેઈજની સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લખેલું છે કે, આ ઘટના અંગે કોઈને પણ પરેશાન કરશો નહીં. મૃતક મહિલાની તબિયત છેલ્લાં કેટલાંક સમયથી ઠીક ન હોવાનો જો કે સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે પરંતુ કમળપૂજા કે હવનકુંડ કે એવી કોઈ બાબતનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ હોવાનું હજુ સુધી જાહેર થયું નથી. આ સમગ્ર ઘટનાએ સમગ્ર જસદણ પંથક ઉપરાંત સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી છે.