Mysamachar.in:રાજકોટ
ભ્રષ્ટાચાર લગભગ દરેક કચેરીઓમાં એક નિયમ બની ગયો હોય તેવું છે, કટકી વિના કામ થતા નથી ને અવાનવાર અલગ અલગ વિભાગના અધિકારીઓ એસીબીને હાથે લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે, કોઈમાં લાંચની રકમ સામાન્ય હોય છે તો કોઈ લાખોની રકમ કટકાવી લે છે. એવામાં રાજકોટમાં ગઈકાલે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈ રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. જોકે ઝડપાયેલા અધિકારી જાવરીમલ બિશ્નોઇએ વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવતાં ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે.
DGFTના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી દેતાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈ ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે. જો કે પરિવારે CBI પર આ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.
આ કેસમાં ફરિયાદીની ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. આ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલ ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરી હતી, પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી DGFT જાવરીમલ બિશ્નોઇ દ્વારા આ મામલે NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માગવામાં આવી હતી.
મૃતક અધિકારી જાવરીમલ બિશ્નોઇ દ્વારા રૂપિયા 9 લાખની માગણી કરતાં ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે તે પ્રથમ હપતા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપી દેશે. ગઈકાલે રાજકોટના ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે ફરિયાદી આરોપી જાવરીમલને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જાવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા. બાદમાં CBI દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે વહેલી સવારે અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.