Mysamachar.in:રાજકોટ
સૌરાષ્ટ્રમાં પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં ધીમી ગતિએ ક્રમશઃ શરૂ થઈ રહી છે. ઓપીડી કાર્યરત કરી દેવામાં આવી છે. સાથે જ આ હોસ્પિટલમાં નોકરી માટેનું કૌભાંડ પણ શરૂ થયાનો ઈશારો એક પ્રકરણથી સ્પષ્ટ થયો છે. આ હોસ્પિટલમાં નિમણૂંક મેળવનાર એક યુવતીને નોકરી માટે આપવામાં આવેલો નિમણૂંક પત્ર બનાવટી હોવાનું જાહેર થતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી જવા પામી છે.
આ હોસ્પિટલમાં 16 ફેબ્રુઆરીથી નોકરી જોઈન કરનાર નિકીતા નામની યુવતીને નોકરી માટે જે નિમણૂંક પત્ર આપવામાં આવ્યો છે તે પત્ર બનાવટી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ યુવતીને માસિક રૂ.36,000 નાં વેતનથી નોકરી આપવામાં આવી છે એવું આ નિમણૂંક પત્રમાં જણાવ્યું છે ! નિકીતા નામની આ યુવતીને પૂછવામાં આવ્યું હતું કે, આ નિમણૂંક પત્ર આપ્યો કોણે ?! આ યુવતીએ જણાવ્યું હતું કે, આ પત્ર ડો.અશોક જાદવ દ્વારા આપવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો રાજકોટ જિલ્લાનાં પડધરી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે. હોસ્પિટલના વહીવટી વડા જયદેવસિંહ વાળાએ આ મામલામાં પડધરી પોલીસ સ્ટેશનમાં ડો.અશોક જાદવ વિરુદ્ધ FIR નોંધાવી છે. પોલીસે આ ડોક્ટર વિરુદ્ધ IPCની કલમ 465, 468 અને 471 મુજબની ફરિયાદ દાખલ કરી, ડોક્ટર જાદવની ધરપકડ પણ કરી લીધી છે.
ફરિયાદી અધિકારીએ જણાવ્યું છે કે, ડોક્ટર જાદવે બનાવટી નિમણૂંક પત્રને સાચાં નિમણૂંક પત્ર તરીકે રજૂ કરાવવાનો પ્રયાસ કરી હોસ્પિટલ સતાવાળાઓ સાથે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. સિક્યોરિટી સુપરવાઈઝર ઇન્દ્રજીતસિંહ પરમારે હોસ્પિટલનાં વહીવટી વડાને જણાવ્યું હતું કે, એક બહેન નોકરી બાબતે આપને મળવા ઈચ્છે છે.
ત્યારબાદ વહીવટી વડા સમક્ષ આ યુવતીએ નોકરીનો નિમણૂંક પત્ર રજૂ કર્યો હતો. આ નિમણૂક પત્રમાં અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થાન, રાજકોટ એમ લખેલું છે. આ પત્રમાં એઇમ્સ હોસ્પિટલનો લોગો પણ પ્રિન્ટ થયેલો છે ! આ નિમણૂંક પત્રમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, નિકીતા મુકુંદભાઈ પંચાલ નામની આ યુવતીને હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે 16 ફેબ્રુઆરીથી નિમણૂંક આપવામાં આવે છે અને તેણીને માસિક રૂ.36,000 વેતન તરીકે આપવામાં આવશે. રાજકોટ ગ્રામ્યની પડધરી પોલીસ આ લેટર અંગે તપાસ ચલાવી રહી છે અને આરોપી ડો.અશોક જાદવની પૂછપરછ કરી રહી છે. આ ફરિયાદને કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે.