Mysamachar.in:રાજકોટ
જામનગર-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મોબાઇલનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સામાન્ય રીતે પુરૂષો તો જવાબદારીઓને કારણે આખો દિવસ કામકાજમાં વ્યસ્ત રહેતાં હોય છે. ઘણી બધી મહિલાઓ એવી હોય છે જેઓ માટે સમય કેવી રીતે પસાર કરવો ? એ પણ સમસ્યા હોય છે ! આ પ્રકારની મહિલાઓ મોબાઈલનો વધુ ઉપયોગ કરતી હોય છે. તાજેતરમાં આ વિષય પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેનાં તારણો જાણવા જેવા છે. કોરોનાકાળ દરમિયાન અને ત્યારબાદ પણ બાળકો અને સ્ત્રી-પુરુષોમાં મોબાઈલની લતનું પ્રમાણ વધ્યું છે. ઘણાં લોકોને તો મોબાઈલની લત વ્યસન સમાન જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ અલગ અલગ કારણોસર મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(રાજકોટ)નાં મનોવિજ્ઞાન ભવન દ્વારા 1,170 ગૃહિણીઓને મોબાઈલનાં ઉપયોગ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. અને તેઓનાં ટેસ્ટ અંગેની જાણકારી મેળવી ટ્રેન્ડનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ સેમ્પલ સર્વેમાં જાણવા મળ્યું છે કે, સર્વેમાં સમાવિષ્ટ મહિલાઓ પૈકી 78 ટકા મહિલાઓએ કહ્યું : અમારા માટે આ ટાઇમપાસ માટેનું સાધન છે. ઘરમાં અમો એકલાપણું અનુભવીએ છીએ. કેટલીક મહિલાઓ જિંદગી પ્રત્યે નિરાશ હોવાનું પણ જણાયું. ઘણી વખત અમોને એવું ફીલ થાય છે કે, પરિવારમાં કોઈ અમારા પર ધ્યાન આપતું નથી ! એવા સમયે અમે મોબાઈલ જોવાનું પસંદ કરીએ છીએ, એમ પણ કેટલીક મહિલાઓએ કહ્યું. 83 ટકા મહિલાઓએ કહ્યું અમે એકલતા દૂર કરવા મોબાઈલ જોઇએ છીએ. 67 ટકા મહિલાઓ ઘરકંકાસથી કંટાળી માઈન્ડ ફ્રેશ કરવા મોબાઈલ જૂએ છે. 77 ટકા મહિલાઓએ કહ્યું, અમે ઘરમાં એકલાં એકલાં ગાંડા જેવા ન થઈ જઈએ એટલે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. 81 ટકા સ્ત્રીઓએ એમ પણ કહ્યું કે, બાળકો સાથે અમો મોબાઈલ પર વિવિધ એકટીવિટી જોઈએ છીએ. 86 ટકા મહિલાઓએ કહ્યું કે, મોબાઈલ ન હોય તો, સંપર્ક વગરનું જીવન લાગે. મોટાભાગની મહિલાઓએ કહ્યું કે, મોબાઈલ ન હોય તો જિંદગીમાં ખાલીપો છવાઈ જાય !
એક પ્રશ્નના જવાબમાં 94 ટકા સ્ત્રીઓએ એમ પણ કહ્યું કે, તેઓ મોબાઈલ પર ટીવી સિરિયલ જોઈ એકલતા દૂર કરે છે. 86 ટકા જેટલી મહિલાઓ કહે છે: ઘણી વખત એવું બને છે કે, લાંબા સમય સુધી પિયર જવા ન મળે તો પિયરીયા તથા બહેનપણીઓ સાથે મોબાઈલ પર ગપાટા લગાવતાં હોઈએ છીએ. ઘણી બધી મહિલાઓ ઓનલાઇન શોપિંગ માટે મોબાઈલનો ઉપયોગ કરે છે. ઘણી મહિલાઓ મોબાઈલ મારફતે વર્ક ફ્રોમ હોમ કરી કમાણી પણ કરી રહી છે. મોટાભાગની મહિલાઓએ કહ્યું: મોબાઈલને કારણે અમો રસોઈ અને કળા સહિતની ઘણી બધી નવી બાબતો શીખી શકીએ છીએ. આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે ? તે અંગે પણ માહિતી મેળવીએ છીએ. ઘણાં પરિવારોમાં એવી પણ માનસિકતા હોય છે કે, સ્ત્રીઓએ મોબાઈલમાં વધુ વ્યસ્ત ન રહેવું જોઈએ. આ અંગે મહિલાઓ કહે છે, અમારી એકલતા દૂર કરવા મોબાઈલ અમારા માટે એક વ્યક્તિ સમાન છે. ઘણી મહિલાઓ મોબાઈલમાં રસોઈ શો, કોમેડી લાઈવ શો, મૂવીઝ, જૂનાં નવા ગીતો, ઈન્સ્ટાગ્રામ પર નવી નવી પોસ્ટ, રીલ, ભજન, ધૂન, કીર્તન, સમાચાર, બાળકો તથા પોતાના માટે નવી એકટીવીટી જોતી હોય છે. ઘણી મહિલાઓ મોબાઈલ મારફતે સૌ પરિચિતો સાથે વાતો કરી સમય પસાર કરતી હોય છે.