Mysamachar.in-રાજકોટ:
નવા વર્ષના દિવસો નજીક છે ત્યારે ઠંડી ઉડાવવા પીનારાઓ માટે આંચકો લાગે તેવા સમાચાર રાજકોટથી આવ્યા છે, સ્ટેટ મોનીટરીંગ સેલે છાપેમારી કરી વિદેશી દારૂ રમ અને ઓરેન્જ ફ્લેવર વોડકામાં સ્પિરિટ ભેળવી નકલી દારૂ બનાવી પ્લાસ્ટિક બોટલમાં ભરવાના કારસ્તાનને ખુલ્લું પાડી મોટી માત્રામાં કેમિકલ સહિતનો જથ્થો વગેરે કબજે કર્યા છે.સ્ટેટ મોનીટરીંગ સેલે રાજકોટમાંથી દારૂ ભરેલું ગોડાઉન પકડીને મોટી કાર્યવાહી કરી છે. નવાગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યાં હતા. તપાસ દરમિયાન દારૂનું ગોડાઉન પકડાતા ખળભળાટ સર્જાયો છે. મહત્વની વાત એ છે કે રાજકોટ પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને આ જથ્થો પકડયો. આરોપીઓ ગોડાઉનમાં નકલી દારૂ બનાવતા હોવાનો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે રમ અને ઓરેન્જ વોડકા ફ્લેવર સ્પિરિટમાં નાંખી આરોપીઓ નકલી દારૂ બનાવતા હતા.અને ત્યારબાદ પ્લાસ્ટિકની બોટલમાં ભરી નકલી દારૂ વેચતા હતા. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલે 1054 નકલી દારૂની બોટલ અને 2054 બોટલ વિદેશી ઓરીજીનલ દારૂની બોટલ સહિત કુલ 7.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ મોનુ નરેન્દ્ર પ્રસાદ અને વિપુલ મેપા સરૈયા નામના આરોપીઓની ધરપકડ કરી છે..જ્યારે અન્ય હસમુખ શકોરિયા નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.