Mysamachar.in-રાજકોટ:
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે એક એવી ઘટના સામે આવી જે મોટી દુર્ઘટના બનતા સહેજમાં રહી ગઈ…આજે સવારે ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી, પરંતુ પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા સહેજમાં રહી ગઈ હતી. બસ એકબાજુ નમતાં અંદર બેઠેલા વિદ્યાર્થીઓનો જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સમયસૂચકતા વાપરી બસનો દરવાજો ખોલી તમામ વિદ્યાર્થીઓ અને મુસાફરો બસની બહાર નીકળી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન સર્જાતાં ડ્રાઈવર-કન્ડક્ટર સહિત એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
પુલિયા પર સામેથી એક વાહન આવતું હતું, આથી ડ્રાઈવરે બસ રિવર્સમાં લેતાં બસ પુલના છેડે ફસાઈ ગઈ હતી. ડ્રાઈવરે કંઈ જોયું નહીં અને કન્ડક્ટરે કંઈ કહ્યું નહીં અને જવા દીધી રિવર્સમાં… બસ નાળામાં જતા જતા રહી ગઈ હતી. અને આમ બસ મોટા નાળામાં બસ પડતા પડતા રહી ગઈ હતી. બસનું પાછળનું વ્હીલ નાળા પર બનાવેલા પુલના છેડે ફસાઇ જતાં પલટી ખાતા રહી ગઈ હતી, આથી અનેક વિદ્યાર્થીઓના જીવ માંડ માંડ બચ્યા છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પુલની બન્ને બાજુ જે સંરક્ષણ આપતી દીવાલ હોવી જોઈએ એ એકપણ વોકળા પરના પુલ પર નથી, આથી અવાર-નવાર વોકળા પર અકસ્માતો સર્જાતા હોવાનું સ્થાનિક અધિકારીઓ કહે છે.જે નાળા પરના પુલ પરથી બસ પસાર થઈ રહી હતી એ પુલની હાલત પણ ખખડધજ જોવા મળી હતી. વહેલી તકે આવા પુલોનું રિનોવેશન અથવા નવા બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોએ માગ કરી રહ્યા છે.