Mysamachar.in-રાજકોટ:
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતો અને મુંજકામાં સ્ટુડિયો ધરાવતા અભિષેક દીપકભાઈ કામલીયા નામના યુવાને ગઇકાલે બપોરે તેના મિત્રને મેસેજ કર્યો હતો જેમાં ‘મેં દુકાને આપઘાત કરી લીધો છે હવે કાઈ ભેગું થાય તેમ નથી’ તેવું કહી ઝેરી દવા પી લીધી હતી. આ મેસેજ મિત્રને બે કલાક પછી જોયા બાદ દુકાને આવી અભિષેકને 108 મારફ્તે ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યો હતો. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસે તપાસ કરતા આ પગલું ભરતા પહેલા યુવકે લખેલી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મેં ત્રણેક વર્ષ પૂર્વે પોતાના મિત્ર સિદ્ધરાજને મિત્રતાના દાવે ઉછીના પૈસા આપ્યા હોવા સહિતની બાબતની વાતો લખી છે. આત્મહત્યાની કોશિશ કરનાર યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં બેભાન હાલતમાં દાખલ હોય જેથી પોલીસ નિવેદન નોંધવા પહોચી તે સમયે નિવેદન નોંધી શકાયું નથી.ત્યારે હવે યુવક ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધી તેની આ રીતે આત્મહત્યાની કોશિશ પાછળનું સાચું કારણ શું તે સામે આવી શકાશે.