Mysamachar.in-રાજકોટઃ
આમ તો કોપી કરવા માટે ચાઇના દુનિયાભરમાં બદનામ છે, પરંતુ ગુજરાતના બૂટલેગરો પણ કાંઇ ઓછા નથી હો, મોંઘીદાટ દારૂની બોટલોની આબેહૂબ કોપી કરી ધાબડી દેવામાં આવતી હોવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટમાં રૈયારોડ પર દ્વારકેશ સોસાયટીમાં આવેલા નીર નિલમ એપાર્ટમેન્ટમાં એક દરોડા દરમિયાન પોલીસે ચાર બોટલ દારૂ, સ્કોચની ખાલી 50 બોટલ અને 100થી વધુ ઢાંકણા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સની આકરી પુછપરછ કરી તો તેણે જે કબૂલાત આપી તે જાણી પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે દરોડા પાડ્યા તો ફ્લેટ નંબર 403માં રૂપિયા 2600ની કિંમતની 4 બોટલ દારૂ સાથે કિર્તીરાજસિંહ ગોહિલ પકડાયો હતો, ત્યારબાદ પોલીસે એપાર્ટમેન્ટમાં સઘન ચેકિંગ કર્યું તો સ્કોચની ખાલી 50 બોટલ અને સ્કોચની બોટલના 100 જેટલા ઢાંકણા મળી આવ્યા હતા. તેમજ જુદી જુદી સ્કોચની બ્રાન્ડના 100થી વધુ સ્ટિકર પણ હાથ આવ્યા હતા. પોલીસે કિર્તીરાજસિંહ ગોહિલની પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે, પોતે નબળી બ્રાન્ડનો દારૂ લઇ તેનો સ્કોચ બનાવતો હતો, સ્કોચની બોટલમાં થોડો દારૂ અને બાકીનું પાણી નાખી ત્યારબાદ તેમાં ટીંચર જેવું એસેન્સ મિશ્રિત કરતો હતો અને બોટલ ભરાયા બાદ તેના પર બ્રાન્ડેડ સ્કોચના સ્ટિકર મારતો હતો. આ રીતે માત્ર 300થી 350 રૂપિયામાં એક બોટલ તૈયાર થઇ જતી હતી, પરંતુ પ્યાસીઓને આ બોટલ રૂપિયા 1500થી 1700માં વેચતો હતો. કિર્તીરાજનું કહેવું છે કે ખાલી બોટલનો જથ્થો રાજસ્થાનથી લઇ આવ્યો હતો. પોલીસે દારૂ, બોટલ, સ્ટિકર અને એક્ટિવા સહિત કુલ રૂપિયા 33100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.