Mysamachar.in-રાજકોટઃ
રાજકોટ RTO આમ તો કૌભાંડ અને તેની વહાલા દવલાની નીતિને કારણે અવાર નવાર ચર્ચાઓમાં રહે છે, ત્યારે ફરી એકવાર રાજકોટ RTO મોટા કૌભાંડ સાથે ચર્ચામાં આવ્યું છે. આ વખતે SOGએ દરોડા પાડી બોગસ પહોંચ બનાવી વાહન છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, આ સાથે SOGએ 6 શખ્સોની ધરપકડ પણ કરી છે. નવા નિયમ પ્રમાણે ટ્રાફિક નિયમો તોડનારા વાહન ચાલકોને ઇ મેમો ઘરે અથવા તેમના રજિસ્ટ્રેશન એડ્રેસ પર મોકલવામાં આવે છે, જો કે ભેજાબાજોએ બુદ્ધી લગાવી વચલો રસ્તો કાઢી મોટું કૌભાંડ આચર્યું, જેમાં RTO ખાતે દંડ ભરવા આવતા લોકોને ભોળવીને તેમની પાસેથી પૈસા ખંખેરી નકલી પહોંચ પધરાવી દેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે,
વાહનચાલકોને આપવામાં આવતા ઇ મેમો તથા ઇ ચલણ ભરવા આવનારા વાહનચાલકોને ઓછો દંડ ભરવાનું કહી સેટિંગ કરવામાં આવતું, આ અંગે SOGને બાતમી મળી હતી કે ઇ મેમામાં વચેટિયાઓ દ્વારા સેટિંગ કરી બારોબાર પૈસા ખંખેરી સરકારની તિજોરીને મસમોટું આર્થિક નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ફરિયાદના આધારે રાજકોટમાં આજીડેમ નજીક માનસરોવર પાર્કમાં શેરી નંબર 1માં આવેલી જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસને RTO દ્વારા આપવામાં આવતા ઈ મેમો, ઇ ચલણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ડુપ્લીકેટ આરટીઓ કચેરીમાથી 63 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
-બે નકલી RTO કચેરી ખોલી હતી
પોલીસ પુછપરછમાં બંને આરોપીઓએ કબુલાત આપતા જણાવ્યું કે આજીડેમમાં માનસરોવર પાર્કની જેમ જ તેઓએ કોઠારિયા રોડ પર ચાર શખ્સો દ્વારા આવું જ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ ઓફિસમાં દરોડા પાડ્યા તો ત્યાંથી વધુ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે છ જેટલા શખ્સોની ધરપકડ કરી છે. જો કે તપાસમાં કોઇ RTO અધિકારીનું નામ પણ ખુલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઓફિસ ચલાવતા હાર્દિક ભાવસીંગ જાદવ તથા મનીષ ઉર્ફ સાગર ઘનશ્યામની ધરપકડ કરવામાં આવી હતી, બંને પોલીસને જણાવ્યું કે પોલીસ અને RTO દ્વારા અપાતા મેમો ભરપાઇ કરી આપ્યાની બોગસ પહોંચ બનાવી વાહનધારકોને નકલી પહોંચ આપી કૌભાંડ આચરતા હતા. આરોપીઓ લેપટોપમાં સોફ્ટવેરની મદદથી બારકોડેડ મેમો રિસિપ્ટ તૈયાર કરતાં હતા. એટલું જ નહીં આરોપીઓ આરટીઓ દંડ સાથે ડિટેઇન થયેલા વાહનોની દંડ ભર્યાની રિસિપ્ટ સાથે આરટીઓ કે પોલીસ અધિકારીઓના દંડ ભર્યાના ફોરવર્ડિંગ લેટર અથવા વાહન મુક્ત કરવાના લેટર બનાવી તેમાં નકલી સિક્કા પણ મારતાં અને સમાંતર આરટીઓ કચેરી જેવો જ વહીવટ ચલાવતા હતા
-વચેટિયા શોધી આપતા શિકાર..
આમ તો RTOમાં એજન્ટ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે, લોકો RTOના અધિકારી પાસે જવાને બદલે એજન્ટ પાસે જઇને ઝડપથી કામ પતાવવાનું પસંદ કરે છે. આ નકલી રિસિપ્ટ બનાવવાના કૌભાંડમાં પણ એજન્ટની મહત્વની ભુમિકા ભજવતા હતા. જેવા કોઇ વાહનચાલક દંડ ભરવા કે તે અંગે પૂછપરછ કરવા આવે તો કચેરીમાં હાજર વચેટિયા પોતાનો શિકાર બનાવી લેતા.