Mysamachar.in-રાજકોટ:
આજકાલ નવરા બેઠા લોકોને કાં’તો પત્રકાર અને કા’તો પોલીસ બનવાનો અભરખો ચડે છે અને આવા બનાવટી પત્રકારો અને પોલીસનો ક્યારેક ભાંડાફોડ પણ થઈ જાય છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં પત્રકાર બનીને રોફ જમાવતા મહિલા સહિતના કહેવાતા પત્રકારોની ટીમને પોલીસે કાયદાનું ભાન કરાવી દીધુ છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મનાઈ હોવા છતાં ફોટા પાડતી ‘નામના’ પત્રકારોની ટોળકીને સિક્યુરિટી ગાર્ડે અટકાવતાં તેની સાથે બે મહિલા સહિત સાત લોકોની ટોળકી સાથે ઝપાઝપી કરી. આ ઘટના બાદ કૌભાંડનો ભાંડાફોડ થયો કે, આ ટોળકી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું સ્ટિંગ કરી તેના પાસે તોડ કરવા આવ્યા છે.
રાજકોટના કોઠારિયા સોલવન્ટની સીતારામ સોસાયટીમાં રહેતાં અને જૂનાગઢના એક અખબારમાં નોકરી કરતો હોવાનું જણાવતાં જાવીદ ઈબ્રાહીમભાઈ ગુર્જર, મોરબી રોડ પર રાધામીરા રેસિડેન્સીમાં રહેતો પરમાર ઈન્દ્રજીત રવજીભાઈ, રાજકોટના નાણાવટી ચોક પાસે રહેતી મિત્તલ પીઠાભાઈ રાઠોડ, રૈયાધારમાં રહેતા અલ્તાફ નાનુભાઈ ભટ્ટી અને મેહુલનગરમાં રહેતા રોહિત મનહરલાલ રાણપરા, ગોપાલ પાટડીયા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફોટા પાડતાં હતા.
મહિલા સિક્યુરિટી ગાર્ડ દક્ષાબેન મકવાણાએ તેમને અટકાવતાં તેની સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. આ પછી ટોળકીએ ગિરીરાજસિંહ સાથે પણ માથાકૂટ શરૂ કરતાં પોલીસને બોલાવી લેવાઈ હતી. પ્ર.નગર પોલીસ સાતેયને પકડીને પોલીસ સ્ટેશને લાવી હતી અને તપાસ કરતાં એક-એક વ્યક્તિના નામે ચાર-ચાર પ્રેસના કાર્ડ ઉપરાંત અમુક પ્રેસ અને ચેનલનું અસ્તિત્વ જ ન હોય તેવા બૂમ અને કાર્ડ મળી આવતાં પોલીસે તમામની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. આ બનાવમાં પોલીસે સિક્યુરિટી ઈન્ચાર્જ ગિરીરાજસિંહ રાઠોડની ફરિયાદ નોંધી તમામ સામે ગુનો નોંધ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.