Mysamachar.in:જુનાગઢ
એસ.ટી બસમાં 100 જેટલી તલવારનો જથ્થો મળી આવતા પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી, પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે વહેલી સવારે માંગરોળ બસ સ્ટેશનમાં વોચ ગોઠવી હતી જેમાં બે મોટા કોથળામાં સામાન ચેક કરતા ૧૦૦ જેટલી તલવારોનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ જથ્થા સાથે પાંચ વ્યક્તિની ધરપકડ કરી છે. જેમાં શોએબ હાસમભાઈ છાપરા, ઈમ્તિયાઝ હસનભાઈ બુમડીયા, કાદર આદમભાઈ ગિરનારી, યાકુબ હસનભાઈ બુમડીયા અને હસન અબ્દુલ વાજાને ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા હતા, શરૂઆતમાં પકડાયેલા ઇસમોએ કોથળામાં કટલેરીનો સમાન હોવાનું રટણ રટયુ હતું, અને બીલ પણ કટલેરીનું રજુ કર્યું હતું, પણ પોલીસને શંકા જતા કોથળા ખોલતા અંદર થી સો જેટલી તલવારો મળી આવી હતી,
ઘાતક હથિયારોનો જથ્થો કરછના અંજારમાંથી ઈરફાન પાસેથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર આ તલવારો વેચવા માટે લાવ્યા હતા તેવું હાલ આરોપીઓ જણાવી રહ્યા છે. આરોપીઓનું પોલીસ સમક્ષ કથન છે કે અમને એક હજાર રૂપિયામાં તલવાર મળતી હતી. જે પંદરસોમાં વેચતા હોવાની કબૂલાત કરી છે, કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જુનાગઢ જીલ્લાના અતિ સંવેદનશીલ ગણાતા માંગરોળમાં આટલો મોટો હથીયારોનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે, ત્યારે પોલીસની સતર્કતાથી હથિયારનો તો ઝડપાઈ ચુક્યા છે. જો કે આ મામલે ચાલી રહેલી કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ના આપવા પણ પોલીસે લોકોને અનુરોધ કર્યો છે.