Mysamachar.in-જૂનાગઢઃ
ગામમાં કોઇ પ્રશ્નોના નિવારણ મુદ્દે અથવા નવી યોજના લાગુ કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ જૂનાગઢના વંથલી તાલુકાના સોનારડી ગામે યોજાયેલી ગ્રામસભા લોહીયાળ બની ગઇ. શાંતિથી શરૂ થયેલી ગ્રામસભા જોત જોતામાં ઉગ્ર બની ગઇ. ગ્રામસભા પૂર્ણ થયા બાદ જુથ અથડામણ સર્જાઇ હતી જેમાં માજી સરપંચની કોઇએ હત્યા કરી દીધી. તો એક મહિલા અને એક બાળક ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. બનાવની પ્રાથમિક વિગત પ્રમાણે સોનારડી ગામે સાંજના સમયે ગ્રામસભાનું આયોજન કરાયું હતું. ગ્રામસભા પૂર્ણ થયા બાદ બે જૂથ સામ સામે આવી ગયા અને ઉગ્ર ચર્ચા બાદ મારામારી શરૂ થઇ હતી. આ મારામારીમાં ગામના માજી સરપંચ દિલાવર ઉર્ફ દાદા પલેજાને કોઇએ છરીના 6થી7 ઘા મારી હત્યા કરી. મોડે સુધી દિલાવરભાઇ ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જો કે આ દરમિયાન તેમની લોહીલુહાણ લાશ મળી આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી. સૌપ્રથમ માજી સરપંચને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જો કે ગંભીર ઇજાને કારણે તેમનું મૃત્યું થઇ ગયું હતું. બનાવને પગલે સમગ્ર પથંકમાં સોપો પડી ગયો તો પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.