Mysamachar.in-ગીરસોમનાથ
ગીરસોમનાથના વેરાવળ બંદર ખાતે આવેલ કેન્દ્ર સરકારના એકમ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિશરીઝ રિસર્ચના વૈજ્ઞાનિકો દ્વારા પફર ફિશ નામની માછલીમાં રહેલ ઝેરના કારણે થયેલ મૃત્યુના કેસમાં રિસર્ચ કરી છે જેને આંતરરાષ્ટ્રીય ફોરમમાં માન્યતા મળી છે. પફર ફિશ એ અરબીસમુદ્રમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ માત્રામાં જોવા મળે છે. આ માછલીના કિડની સહિતના ભાગોમાંથી નીકળતું ટેટ્રાઓડોટોક્સિન જીવલેણ હોય છે. અને એટલું સક્રિય હોય છે કે રાંધ્યા બાદ પણ તેનો નાશ નથી થતો. ત્યારે 4 માછીમારોએ આ માછલી આરોગયા બાદ 1 નું મૃત્યુ થયું હતું અને 3 ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે આ મામલામાં cift ના મહિલા વૈજ્ઞાનિકો ડો. અનુપમાં ટીકેએ કેસ હિસ્ટ્રી એકઠી કરી હતી.
જે માછલી ખાઈને પોઇઝનિંગ થયું હતું એના અંશો લઈને તેનું dna ટેસ્ટ કર્યું. અને અંદાજે 1 વર્ષની રિસર્ચ બાદ પૂરતા રાસાયણિક પુરાવાઓ સાથે સાબિત કર્યું હતું કે પફર ફિશ ખાદ્ય હોવા છતાં તેને યોગ્ય રીતે ન પકાવાતા ગંભીર અને જીવલેણ પરિણામો આવી શકે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે જાપાન સહિતના દેશોમાં પફર ફિશ કુક કરવા માટેના અલગથી કોર્સ બનાવવામાં આવે છે જેથી આ માછલી બનાવ્યા બાદ તેમાં ઝેર ન વ્યાપે.
2020 ના મેં મહિનામાં વેરાવળ બંદર ખાતે 4 પરપ્રાંતિય મજુરોએ પફર ફિશ ખાધી હતી જેનાથી તેમને હેવી ફૂડ-પોઈઝનીંગ થયું હતું. જેમાં 1 વ્યક્તિનું મોત પણ થયું હતું. જેમાં શંકા જતા પોલીસે cift ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો હતો. ત્યારે તત્કાલીન મુખ્ય વૈજ્ઞાનિક ટોમ જોસેફ ની અધ્યક્ષતામાં વિજ્ઞાનીકોની ટીમે આ મુદ્દે મહિનાઓ સુધી રિસર્ચ કરીને પફર ફિશ પોયઝનિંગનો ભારતનો પેહલો બનાવ સાબિત કર્યો હતો. ત્યારે આ મામલે cift દ્વારા એડવાઇઝરી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે આ ખાદ્ય પણ જીવલેણ માછલીના કારણે બીજા કોઈનું મૃત્યુ ન થાય. આ એડવાઇઝરી હિન્દી ગુજરાતી અને અંગ્રેજીમાં બનાવવામાં આવનાર છે.