Mysamachar.in-ગીર સોમનાથ
ગીરગઢડાનાં જંગલ વિસ્તારમાં આવેલા ઇટવાયા ગામે જસાધાર વન વિભાગ દ્વારા બાતમીનાં આધારે રેડ કરતા એક શખ્સ પાસે ત્રણ આંધળી ચાકણ નામના સાપ સાથે ઝડપી પાડ્યો છે. આંધળી ચાકણ નામના આ ત્રણ સાપની કિંમત માર્કેટમાં 75 લાખમાં વહેંચવાનું નક્કી હતું. એટલે કે એક સાપની 25 લાખ કિંમત મનાઈ રહી છે. હાલ વન વિભાગે આરોપી અને ત્રણેય સાપને કબજે લઈ તપાસ શરૂ કરી છે. વન વિભાગની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, આ એક સાપની કિંમત રૂપિયા 25 લાખ છે. જેનો ઉપયોગ દવામાં અને સેક્સ પાવર વધારવામાં થાય છે. એટલુ જ નહીં, તાંત્રિક વિધિમાં પણ આનો ઉપયોગ થાય છે, અને ચમત્કારિક પરિણામ મળે છે. જેના કારણે આની કિંમત 25 લાખ છે.
ગીરગઢડાનાં ઇટવાયા ગામે પોતાના પિતા સાથે કામ કરતા જગદીશ મનું વાડોદરિયાની વન વિભાગે ધરપકડ કરી છે વન વિભાગને આશંકા છે કે, આમાં માત્ર સુરત જ નહીં પણ આ આખો ધંધો આંતર રાષ્ટ્રીય લેવલે ચાલતો હોઈ શકે છે. કારણ કે, એક સાપની 25 લાખ રૂપિયા કિંમત ચૂકવાય રહી છે. હાલ આરોપી 6 દિવસના રિમાન્ડ પર લેતા વધુ 3 શખ્સોના નામો ખુલ્યા છે. દરમ્યાન ત્રણેય સાપનું વજન જોઇએ એટલું ન હોવાથી સોદો કેન્સલ થયો હતો. પણ તેને જંગલમાં મુક્ત કરાય એ પહેલાંજ વનવિભાગ તેની પાસે પહોંચી જતાં ઝડપાઇ ગયો હતો.
વનવિભાગની પુછપરછમાં જગદીશે આ પ્રકરણમાં ઇંટવાયાનાજ અશ્વિન રામજી અને મનુ સુહાગિયાએ સોદો પાર પાડવામાં મદદ કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ગિરગઢડાના રસુલપરા ગામના મુકેશ નામના શખ્સે જંગલમાંથી આંધળી ચાકળ પકડી તેને આપી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સુરતના હસુ નામના શખ્સે વચેટિયાની ભૂમિકા ભજવી હોવાની આશંકા સેવાઇ રહી છે.
વનવિભાગના જણાવ્યા મુજબ, ત્રણેય સાપનું વજન જેટલું જોઇએ એટલું ન હોવાથી એ સોદો ફોક થયો હતો. પણ સાપને ફરી સગેવગે કરવા જાય એ પહેલાં જગદીશ વનવિભાગની ઝપટમાં આવી ગયો હતો. જોકે, જગદીશ આ વ્યવસાય સાથે કેટલા સમયથી સંકળાયેલો છે, ગુજરાત બહાર કોને આ સાપ આપવાના હતા, અગાઉ આવા સાપ કેટલી વખત મોકલ્યા અને મુકેશે કેટલા સાપ આ રીતે પકડીને આપ્યા આ બધા સવાલોના જવાબો મેળવવા વનવિભાગે જગદીશની આકરી પુછપરછ હાથ ધરી છે
– આંધળી ચાકણ સાપની શું છે વિશેષતાઓ…
આ સાપને ગુજરાતી અને દેશી ભાષામાં આંધળી ચાકણથી ઓળખવામાં આવે છે. તેમજ બે મોઢા વાળી બમ્બોઈથી પણ ઓળખાય છે. આંધળી ચાકળ ખુબજ શાંત પ્રકૃતિનો સાપ છે. ત્યાં સુધી કે, તેને અજાણ્યા માનવીનો સ્પર્શ થાય તો પણ ફૂંફાડો નથી મારતો. ફક્ત પોતાના ખોરાક સિવાય તે આક્રમક પણ નથી બનતો. બિનઝેરી હોવાથી તેને પકડવો પણ આસાન હોય છે.