Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
પવિત્ર ચાર ધામો પૈકીના એક ધામ એવા દ્વારકાધામમાં પવિત્ર ગોમતી નદીમાં બુધવારે ભાઈબીજના દિવસે હજારો શ્રધ્ધાળુઓએ પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો. લોકવાયકા પ્રમાણે ભાઈબીજના દિને યમુનાજીના ભાઈ યમરાજને યમુનાજીએ ભોજન માટે આમંત્ર્યા હતા. બહેનનું આમંત્રણ સ્વિકારી યમરાજે આજના શુભદિને સોનાની દ્વારકામાં આવી, તેમના હાથે ભોજન આરોગ્યું હતું. અને આશિર્વાદ આપ્યા હતા કે જે કોઇ આજના દિને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજા ક્યારેય પણ નડતરરૂપ થશે નહિં. આથી નગરની દરેક ગૃહિણીઓ દ્વારા ભાઈબીજના દિને સાંજના સમયે ગોમતી નદીમાં પવિત્ર દિપ તરાવવાનું પણ અનેરું મહત્વ છે.
ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું પણ સવિશેષ મહત્વ હોય, હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે માં ગોમતીની મહાઆરતી પણ કરવામાં આવી હતી, ભાઈબીજના દિવસે જ સાંજે પરંપરાગત રીતે સ્થાનિક મહિલાઓ, કુમારીકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓની હારમાળા તરતી મૂકવામાં આવી હતી. રાત્રિના સમયે સેંકડો દિવડાઓના પ્રકાશમાં ગોમતી નદી તથા ઝળહળતાં દ્વારકાધીશ મંદિરનો દિવ્ય નજારો ભાવિકોને મળ્યો હતો.
– દ્વારકામાં દિપાવલી, નૂતનવર્ષના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઊજવણી: જગતમંદિરમાં હાટડી – અન્નકુટ દર્શન
શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારિકામાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીત રસમ સાથે ઊજવણી કરવામાં આવી હતી. દિપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલા હાટડી દર્શન તથા બીજા દિવસે યોજાયેલા અન્નકુટ ઉત્સવ – મનોરથનો લાખો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિતે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ – ચાંદી તથા અન્ય ઉચ્ચધાતુઓનાં અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.
દીપોત્સવી પર્વ નિમિત્તે દ્વારકાના જગતમંદિરને વિશેષ રોશની અને ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે જગતમંદિરની ત્રિજ્યામાં આઠ-દસ કિમી સુધી દૂરથી ઝળહળતાં જગતમંદિરનો નઝારો જોવા મળ્યો હતો. જગતમંદિરમાં આવેલા નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શૃંગારને લીધે ભગવાનના દિવ્ય શૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને મળી હતી.
– દ્વારકામાં દિવાળીના તહેવારોમાં ઉમટી પડયો માનવ મહેરામણ
દિવાળી વેકેશનમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડતાં સપ્તાહ માટે હોટલ ગેસ્ટ હાઉસ ફુલ રહ્યા હતા. શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં હાલમાં રહેલાં દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂઆતના દિવસોમાં યાત્રાળુઓના પ્રવાહમાં થોડી ઓટ રહ્યા બાદ નૂતનવર્ષથી અહીં ગુજરાતભરના ખૂબ મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓના લીધે સમગ્ર વિસ્તારમાં આવેલાં હોટલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ, ભવનો હાઉસફુલ જોવા મળ્યા હતા.
આગામી સપ્તાહ સુધી હજુ પણ વેકેશનનો માહોલ હોય, યાત્રાળુઓ તથા પ્રવાસીઓનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ રહેશે તેવું જણાઈ રહયું છે. દિપાવલી તહેવારો તેમજ નવવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા.
તહેવારોની ઉજવણી તેમજ વેકેશનનો સદુપયોગ કરવા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને બહારના યાત્રીકો મોટી સંખ્યામાં હાલમાં દ્વારકામાં જોવા મળી રહયા હોય, જગતમંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રીલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબત્તી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચક્ક વિસ્તારોમાં સવિશેષ ભીડભાડ જોવા મળી હતી. શહેરભરમાં ઠેરઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. દ્વારકામાં આવેલા રેસ્ટોરાં તથા જમવાની હોટલો, ધાબાઓ વિગેરેમાં પણ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. પીક અવર્સ દરમ્યાન ટ્રાફીકની પણ સમસ્યાઓ રહી હતી. આ સમગ્ર સપ્તાહ સુધી યાત્રાધામ દ્વારકામાં વેકેશનને લીધે ભીડભાડ જોવા મળે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.