Mysamachar.in-દેવભૂમિ દ્વારકા;
એક તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજયમાં તબીબોની અછત છે. બીજી તરફ રાજયમાં નવી નવી મેડિકલ કોલેજો ધડાધડ બની રહી છે. ત્રીજી તરફ, રાજ્ય સરકાર વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે, એ મતલબના લોકોને આશ્વાસન આપી રહી છે અને ચોરસની ચોથી બાજુ એવી છે કે, હવે રાજયમાં નવી મેડિકલ કોલેજ ખોલી ન શકાય, એવી સ્થિતિ નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈનને કારણે સર્જાવા જઈ રહી છે! તો હવે, આગામી દિવસોમાં નવી મેડિકલ કોલેજો બની શકશે કે કેમ ?! તે મુદ્દો ચર્ચાઓમાં આવ્યો છે.
નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન એવી છે કે, દેશના દરેક રાજયમાં દર 10,000ની વસતિએ મેડિકલ કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટની ઓછામાં ઓછી એક બેઠક હોવી જોઈએ. વસતિની દ્રષ્ટિએ વિચારીએ તો, ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યા અને તેથી બેઠકોની સંખ્યા પૂરતી છે. તેથી હવે જો નવી મેડિકલ કોલેજ બને તો કમિશનની આ ગાઈડલાઈન ન જળવાય. જેથી નવી મેડિકલ કોલેજોની રચના સામે હાલ પ્રશ્નાર્થ ઉભો થયો છે.
રાજય સરકારે થોડાં સમય અગાઉ એવી જાહેરાત કરી હતી કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા, બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદ ખાતે અને ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજોનું નિર્માણ થશે. આ જાહેરાતને કારણે સ્થાનિક લોકોમાં ઉમંગનો સંચાર થયો છે. અને એવી પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે, આ ત્રણ મથકોએ ખાનગી નહીં પણ સરકારી મેડિકલ કોલેજ બનવી જોઈએ. જો કે આ દરમિયાન નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન ચર્ચાઓમાં આવતાં મામલો ગૂંચવાયો હોવાનું જાણવા મળે છે. હાલ અનિશ્ચિતતાના વાદળો સર્જાયા હોવાનું બહાર આવ્યું છે.
ઓક્ટોબર,2023ની સ્થિતિએ રાજયમાં અન્ડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં મેડિકલ બેઠકોની સંખ્યા 7,050 છે. રાજયમાં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજની સંખ્યા 39 છે. જેમાં કુલ 6,850 બેઠક છે. આ ઉપરાંત બે મેડિકલ ઈન્સ્ટીટયૂટ છે. જેમાં 200 બેઠક છે. જે નેશનલ એડમિશન કવોટા ધરાવે છે. જેમાં રાજકોટ AIIMS અને સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયાનો સમાવેશ થાય છે.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા મિનિમમ સ્ટાન્ડર્ડ રિકવાયરમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. સારાં તબીબી શિક્ષણ માટે બેઠકોની સંખ્યા નિર્ધારીત કરવામાં આવે છે. અને આ સ્ટાન્ડર્ડ મુજબ રાજયમાં વસતિની સરખામણીએ પૂરતી તબીબી બેઠકો છે. જો કે નિષ્ણાંતો એવી દલીલ કરે છે કે, અન્ય વિકસિત રાજયોની સરખામણીએ ગુજરાતમાં તબીબી અભ્યાસક્રમ માટેની બેઠકોની સંખ્યા ઓછી છે. જે વધારવી જરૂરી છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, રાજય સરકાર બોટાદ, ખંભાળિયા અને વેરાવળમાં નવી મેડિકલ કોલેજો માટે વિવિધ ટ્રસ્ટો સાથે વાટાઘાટો ચલાવી રહી છે. આ પ્રકારના ટ્રસ્ટની સંખ્યા 11 હોવાનું પણ જાણવા મળે છે. તેનો અર્થ એ પણ થઈ શકે કે, આ ત્રણમાંથી એક પણ શહેરમાં સરકારી મેડિકલ કોલેજ નહીં બને.