Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
ગુજરાતમાં ઓખા સહિત ત્રણ સ્થળ એવા છે, જયાં માઇક્રો પ્લાસ્ટીક સમસ્યા છે. આ માઈક્રો પ્લાસ્ટીક એકદમ સૂક્ષ્મ કણ હોય છે, જેનું કદ વધીને 5 મિલીમીટર હોય શકે એટલે કે, 0.2 ઈંચ જેટલું. આ કણ દરિયાઈ જીવસૃષ્ટિ તથા માનવ આરોગ્ય માટે હાનિકારક છે, જે સી-ફૂડની કવોલિટી ડાઉન કરે છે. જે લોકો સી-ફૂડ અંગે જાણે છે તેઓને ખ્યાલ છે કે, આફ્રિકન બ્લ્યુ કરચલા સી-ફૂડ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને ઝીંગા અને લોબસ્ટર તરીકે ઓળખાતાં કરચલા ભારતમાં તથા દેશવિદેશમાં માનીતું સી-ફૂડ છે. તેનો ભાવ પણ ઉંચો હોય છે. સામાન્ય રીતે ગરમ પ્રદેશોના દરિયાકિનારે અંદાજે 3,700-4,000 મીટરની ઉંડાઈએ તે મળી આવે છે. જેનો આકાર ગોળ અથવા ચોરસ હોય શકે છે.
ગુજરાતની વાત કરીએ તો, દ્વારકા જિલ્લાના ઓખાના દરિયામાં તથા કચ્છના જખૌ આસપાસ અને ગીર સોમનાથના વેરાવળમાં આ કિંમતી કરચલાઓ મળી આવે છે, જેની સી-ફૂડ તરીકે જબરી ડિમાંડ છે. પરંતુ સમસ્યા એ છે કે, આ કરચલાને દૂષિત કરે છે માઈક્રોપ્લાસ્ટીક. આ કણ જો માનવશરીરમાં જાય તો મોટી બિમારીઓ પેદાં કરી શકે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ બાંગ્લાદેશ, બ્રાઝિલ અને સાઉદી અરેબિયાની શૈક્ષણિક સંશોધન સંસ્થાઓ સાથે મળી એક રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. જેમાં જણાવાયું છે કે, પશ્ચિમ ભારતના દરિયાકિનારે જે કરચલાઓ મળે છે તેના પર માઈક્રોપ્લાસ્ટીક હોય છે. આ સંશોધન પ્રથમ વખત થયું અને તેના પુરાવાઓ મળી આવ્યા છે. આ સંશોધન વસંતકુમાર રબારી, મોહમ્મદ રેફાત જહાન રકીબ, જિગનેશકુમાર ત્રિવેદી, અબુબકર એમ. ઈદરીસ અને ગુલહર્મ માલાફૈઆએ કર્યું છે.
ઉપરોકત ત્રણ દરિયાઈ વિસ્તારમાંથી કુલ 150 નમૂનાઓ લેવામાં આવ્યા હતાં. બાદમાં આ કરચલાઓને ખોરાક તરીકે જે રીતે લેવાય છે તે રીતે સાફ કરવામાં આવ્યા. આ કરચલાઓના શરીર પરથી જે કચરો મળી આવ્યો તેને ખાસ પ્રકારના રસાયણોથી સ્વચ્છ કરીને તપાસવામાં આવ્યો, જેમાંથી માઈક્રોપ્લાસ્ટીક મળી આવેલ છે.
દરેક કરચલા પરથી માઈક્રોપ્લાસ્ટીકના 2.02 કણ મળી આવ્યા. દર એક ગ્રામ કચરામાં 0.8 કણ મળી આવ્યા. જખૌની સરખામણીએ ઓખા તથા વેરાવળના કરચલાઓ પર વધુ માઈક્રોપ્લાસ્ટીક છે. પ્રદૂષણ જોખમ ઈન્ડેક્સ મુજબ ત્રણેય દરિયાઈ વિસ્તારમાંથી મળી આવેલ માઈક્રોપ્લાસ્ટીક જોખમી સ્તરની ઉપર છે. ટૂંકમાં, ભારે પ્રદૂષણ છે. આ માઈક્રોપ્લાસ્ટીકનો અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં પોલિથિલીન, નાયલોન, પોલિયુરેથન અને પોલિસ્ટ્રીન મળી આવ્યું છે. સંશોધકો કહે છે, આ પ્રદૂષણ ચિંતાપ્રેરક છે. દરિયાઈ જીવોને તો નુકસાન કરે જ છે, સી-ફૂડ મારફત આ માઈક્રોપ્લાસ્ટીક માણસના શરીરમાં પણ દાખલ થઈ જાય છે !