Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
રાજ્ય સરકારે વર્ષ 2013માં રાજ્યના કેટલાક મોટા જિલ્લાઓના બે ભાગ કરી નાખ્યા હતા અને ત્યાં અલગ માળખું ઉભું કર્યું હતું, પણ આ સ્થિતિ વચ્ચે અલગ પડેલા જિલ્લાઓમાં હજુ કેટલીક સુવિધાઓની ઉણપ છે, ત્યારે જામનગરમાંથી અલગ પડેલ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓમાં જીલ્લો અલગ થયાના 10 વર્ષે પણ ખોટ છે, ત્યારે ગતરોજ જીલ્લો જાહેર થયાના દસ વર્ષે ગતરોજ જીલ્લા જેલનું ખાતમૂહર્ત થયાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થયા પછી જિલ્લામાં જિલ્લા જેલની આવશ્યકતા હતી. જે બાબતે દસ વર્ષે રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ દાખવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે જિલ્લા જેલ મંજૂર વાસનમંત્રી મુળુ બેરાના હસ્તે અંદાજે રૂપિયા 51 કરોડનાં ખર્ચે જિલ્લા જેલના રહેણાંક અને બિન રહેણાંક આવાસો જેલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા ખાતે રામનગર વિસ્તારમાં 1.23 લાખ ચોરસ મીટર જગ્યા જીલ્લા જેલ માટે ફાળવવામાં આવી છે. રૂ.51 કરોડના ખર્ચે જિલ્લા જેલ અને આવાસો મળી જેલ બિલ્ડીંગ અને સ્ટાફ આવાસોનું નિર્માણ થશે. આ સાથે સ્ટાફ કવાર્ટર પણ બનાવવાનું આયોજન છે. જેમાં બી ટાઈપના 36, સી ટાઈપના 12 અને ડી ટાઈપના 2 ક્વાર્ટર્સ બનાવવામાં આવશે. હાલ 440 કેદીને સમાવી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં 1000 કેદી સમાઈ શકે તે રીતનું આયોજન છે. 60 મહિલા કેદીને પણ સમાવવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં જિલ્લા જેલની જરૂરિયાત હતી. ખંભાળિયામાં જિલ્લા જેલ બનતા જામનગર ખાતેથી કેદીને લાવવાનું આર્થિક ભારણ ઘટશે.