Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાલે બુધવારે દરિયાઈ ચક્રવાતની દિશા પાકિસ્તાનનાં કરાંચી તરફ હતી જે બાદમાં કચ્છ તરફ નમી છે. જેને કારણે ચક્રવાત અને જખૌ-દ્વારકા વચ્ચેનું અંતર ઘટી જતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મિની વાવાઝોડાની સ્થિતિ જોવા મળી રહી છે. દ્વારકામાં ભારે પવન ફૂંકાયો હતો. ભારતીય હવામાન વિભાગે વેબસાઇટ પર છેલ્લું અપડેટ્સ બુધવારે રાત્રે 08-50 કલાકે મૂક્યું હતું. જેમાં જણાવાયું છે કે, દરિયાઈ ચક્રવાત ગુજરાતનાં કચ્છ પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે અને દ્વારકા તથા ચક્રવાત વચ્ચેનું અંતર ઘટીને 260 કિમી રહેવા પામ્યું છે. આ અપડેટ્સમાં હવામાન વિભાગે ફરીથી કહ્યું છે કે, આજે ગુરૂવારે સાંજે ચક્રવાત કચ્છને ક્રોસ કરી શકે છે અથવા કચ્છમાં ત્રાટકી શકે છે. જો કે આ બંને સંભાવનાઓ છે, કોઈ જ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી નથી.
ભારતીય હવામાન વિભાગે આજે ગુરૂવારે સવારે નવ વાગ્યે ટ્વીટ દ્વારા એવી માહિતી આપી છે કે, ચક્રવાત કચ્છ તરફ સરકી રહ્યું છે. કાલે 14 જૂને આ દિશા કરાંચી તરફની હતી. દરમિયાન, માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં દ્વારકા પ્રતિનિધિએ જણાવ્યું છે કે, સંભવિત વાવાઝોડાની ભીતિ હકીકતમાં ફેરવાઈ રહી હોય એમ દ્વારકામાં સતત 30 મિનિટ સુધી પ્રતિ કલાક 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. આ પ્રકારના પવનને કારણે દરિયાઈ પટ્ટી નજીકનાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો પર અસરો થવાની શક્યતા છે.