Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ત્રણ દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં નોંધપાત્ર પલટા સાથે પવનનું જોર વધવા તથા ભારે વરસાદ વરસવાની સંભાવના છે. જેના પગલે છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં ભારે ફેરફાર આવ્યો છે. ખંભાળિયા સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં પવનનું જોર વધ્યું છે અને મીની વાવાઝોડા જેવા ફુકાતા પવન વચ્ચે મુશળધાર વરસાદ પણ વરસ્યો હતો.
ખંભાળિયા પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવા તથા ભારે ઝાપટા રૂપે ત્રણ ઈંચ (73 મીલીમીટર) વરસાદ વરસી ચુક્યો છે. હાલ ભારે પવન સાથે વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે અવારનવાર વીજ પુરવઠો ખોવાઈ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. જોકે આજે સવારથી પવનની ગતિ થોડી ધીમી પડી છે અને સૂર્યનારાયણના દર્શન સાથે વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન ભાણવડ તાલુકામાં ચાર ઈંચ (97 મીલીમીટર), દ્વારકા તાલુકામાં ત્રણ ઈંચ (78 મિલિમિટર) અને કલ્યાણપુર તાલુકામાં પણ ત્રણ ઈંચ (72 મિલીમીટર) વરસાદ વરસ્યાનું નોંધાયું છે.
પવન સાથે વરસાદના પગલે જુદા-જુદા અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બનવા પામ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના લાલપરડા તથા ભંડારીયા ગામે વીજપોલ પડી જતા આ વિસ્તારોમાં અંધાર પર છવાઈ ગયો હતો. જેને દુરસ્ત કરવા તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ખંભાળિયા – દ્વારકા માર્ગ પર તેમજ સલાયામાં વિશાળ વૃક્ષો જમીનદોસ્ત થતા પોલીસ તંત્ર દ્વારા જેસીબી જેવા સાધનોની મદદથી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.