Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લો તથા જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગમે ત્યારે, વાવાઝોડું ત્રાટકી શકે છે – એ પ્રકારની સ્થિતિ વચ્ચે જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા મંદિરે ધ્વજારોહણ થશે કે કેમ ?! એ મુદ્દે ભારે ચર્ચા અને પૃચ્છાઓ ચાલી રહી છે ત્યારે તંત્રએ જાહેર કર્યું છે કે, હાલની સ્થિતિએ ‘સલામતી’ મહત્વનો મુદ્દો છે. છેલ્લાં કેટલાંક કલાકોથી કોઈ એમ કહી રહ્યું છે કે, દ્વારકાધીશ મંદિરે ભાવિકો માટે ધ્વજારોહણ બંધ કરવામાં આવ્યું છે. કોઈ એમ કહે છે કે, જે ભાવિકોએ ધ્વજારોહણ માટે અગાઉથી કાર્યક્રમ નિશ્ચિત કર્યા છે, તેઓને ધ્વજારોહણની મંજૂરી આપવામાં આવશે. આ બધી ચર્ચાઓ વચ્ચે આ મુદ્દે દ્વારકા દેવસ્થાન સમિતિને પૃચ્છા કરવામાં આવી છે, તેઓએ જણાવ્યું છે કે – ભાવિકોની તથા ધ્વજા આરોહણ કરનાર બ્રાહ્મણોની સલામતી હાલની સ્થિતિએ સૌથી મહત્વની બાબત છે.
Mysamachar.in સાથેની વાતચીતમાં દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાએ જણાવ્યું છે કે, હાલમાં દૈનિક પાંચ ધ્વજાજી માટે જે આયોજન છે તેમાં ધ્વજારોહણ કરનાર બ્રાહ્મણોને એવી સૂચના આપવામાં આવી છે કે, જો ધ્વજા આરોહણ સલામત રીતે થઈ શકતું હોય તો જ કરવું. ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં જો ધ્વજા આરોહણ કરી શકાય તેમ ન હોય તો, હાલ ધ્વજાજીની માત્ર પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ સ્થિતિ સામાન્ય થશે ત્યારે ધ્વજા આરોહણ કરવું એમ કહેવાયું છે. આ ઉપરાંત ધ્વજા આરોહણ કરનાર માટે સલામતીનાં સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એમ તેઓએ જણાવ્યું હતું.
-અડધી કાઠી શબ્દ અત્રે યોગ્ય નથી : પૂજારી
કેટલાંક લોકો એમ કહેતાં હોય છે કે, દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી રહી છે. આ અંગે મંદિરનાં પુજારી કપિલ મહારાજ કહે છે: અડધી કાઠી શબ્દો રાજકીય અને રાષ્ટ્રીય શોક વ્યક્ત કરવા ઉપયોગમાં લેવામાં આવે છે, ભગવાનનાં મંદિર માટે આ શબ્દ યોગ્ય નથી. હાલમાં ભારે પવનની સ્થિતિને કારણે ધ્વજાજી ધ્વજા દંડ પર નહીં પરંતુ ધ્વજા સ્તંભ પર આરોહણ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ સંકટ સમયે આ રીતે બે ધ્વજા આરોહણ કરવામાં આવેલું.