Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા નજીકનાં ઓખા અને યાત્રાધામ બેટદ્વારકાને હાલ એકમાત્ર જળમાર્ગ જોડે છે. આ જળમાર્ગ પર એટલે કે દરિયામાં સિગ્નેચર બ્રિજ બની રહ્યો છે. સંવેદનશીલ મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં બની રહેલાં આ બ્રીજની પર્યાવરણીય મંજૂરી જેવાં વિવાદો સમયાંતરે ચર્ચામાં રહે છે, પરંતુ વધુ એક ગંભીર બાબત પણ સામે આવી છે ! ઓખા અને યાત્રાધામ બેટદ્વારકાને જોડતાં આ સિગ્નેચર બ્રિજનું કામ 2017 માં શરૂ થયું. આ એક પ્રકારનો કેબલ બ્રિજ છે. દરિયાઈ કરંટ અને વાવાઝોડું તેમજ દરિયાઈ તોફાન જેવી સ્થિતિઓ વખતે, આ બ્રીજની હાલત શું થશે ?! એ પ્રશ્ન હવે ચર્ચામાં છે કેમ કે, આ બ્રિજનું બાંધકામ કરી રહેલી પાર્ટી સારી છાપ ધરાવતી નથી !
હરિયાણાની આ કોન્ટ્રાકટર પાર્ટી એસ.પી. સિંગલાએ બિહારમાં ભાગલપુર નજીક નદી પર બનાવેલો પુલ બે વર્ષમાં બે વખત તૂટી પડ્યો ! રૂ.1,716 કરોડનો આ પ્રોજેક્ટ બે વર્ષથી વિવાદમાં છે ! તાજેતરમાં રવિવારે આ બ્રિજ બીજી વખત તૂટી પડ્યો ! આ કોન્ટ્રાક્ટર પાર્ટી જ બેટદ્વારકાને ઓખા સાથે જોડતો સિગ્નેચર બ્રિજ બનાવી રહી છે ! આ ઉપરાંત આ પાર્ટી નર્મદા નદી પર પણ હાલમાં બ્રિજ બનાવી રહી છે જેને કારણે ભાગલપુરની ઘટનાનાં સંદર્ભમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાતમાં બે ફ્લાયઓવર તૂટયાની ઘટનાઓ પણ હાલ ચર્ચામાં છે ! આ સ્થિતિમાં સૌ કોઈ વિચારે છે કે, આગામી દિવસોમાં પણ ગુજરાતમાં કાંઈ અમંગળ બની શકે છે ?! સૌ સંબંધિતોએ આ પ્રકારના મુદ્દે એકદમ એલર્ટ રહેવું જોઈએ એમ સૌ કોઈ માને છે.