Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
યાત્રાધામો બેટદ્વારકા અને દ્વારકાને સમાવતા દ્વારકા કોરિડોરનાં વિકાસની ગતિ તેજ બની હોવાનાં સંકેતો ગાંધીનગરથી વહેતાં થઈ ચૂક્યા છે. આ માટે નવી ઓથોરિટીની રચના કરવામાં આવે તેવી સંભાવના પણ તેજ બની છે. દ્વારકા કોરિડોરનાં વિકાસની ગતિ આગળ વધવા પામી છે. બેટદ્વારકા તથા અમરેલી જિલ્લાના શિયાળ બેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકાર દ્વારા ફોક્સ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નજીકનાં ભૂતકાળમાં મુખ્યમંત્રી એક કરતાં વધુ વખત દેવભૂમિ દ્વારકા જીલ્લાની મુલાકાતે આવી ચૂક્યા છે. બીજી તરફ આ જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશ પણ સૌ જોઈ રહ્યા છે. આ બધી તૈયારીઓ દ્વારકા કોરિડોરનાં વિકાસ માટેની હોવાનું સમજાઈ રહ્યું છે.
ગાંધીનગરમાં ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની બેઠક મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં ઉપરોક્ત નિર્ણયો જાહેર થયા છે. આ બેઠકમાં રાજ્યનાં મુખ્ય સચિવ રાજકુમારે એમ કહ્યું હતું કે, દ્વારકા કોરિડોરનાં વિકાસ માટે અલગથી દેવભૂમિ દ્વારકા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવી જોઈએ. આ ઉપરાંત આ બેઠકમાં, બેટદ્વારકા ટાપુનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા, વર્તમાન નાણાંકીય વર્ષ 2023/24 નાં રાજ્યનાં પ્રવાસન માટેનાં કુલ રૂ.2,077 કરોડનાં બજેટમાંથી રકમ ખર્ચ કરવામાં આવશે એમ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોય, તે સંદર્ભમાં કોસ્ટલ બેલ્ટ પર આવેલાં તમામ તાલુકાઓના વિકાસ માટે સંકલિત વિસ્તાર વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે. આ માટે કન્સલ્ટન્ટ-એડવાઈઝરની પસંદગી માટે પણ આ બેઠકમાં પરામર્શ થયો હોવાનું જાણવા મળે છે.