Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાલે મંગળવારે દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનાં એવા યાત્રાધામ બેટદ્વારકા તથા યાત્રાધામ હર્ષદગાંધવીની મુલાકાત લીધી હતી અને આ સમગ્ર દરિયાઈ પટ્ટી પરની તમામ નાની નાની હિલચાલની સતર્કતાપૂર્વક નોંધ લેવા સ્થાનિક તંત્રોને સ્થળ પર તાકીદ કરી હતી. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ બેટદ્વારકા તથા હર્ષદ યાત્રાધામની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સ્થાનિક તંત્રો દ્વારા કરવામાં આવેલાં દબાણહટાવ ઓપરેશનનાં સ્થળોની મુલાકાત લીધી હતી અને ઓપરેશન કેટલાં વિસ્તારમાં તથા કેવી રીતે પાર પાડવામાં આવ્યું તે અંગેની સઘળી વિગતો સ્થાનિક અધિકારીઓ પાસેથી નકશાઓની મદદથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1,600 કિલોમીટર લાંબા દરિયાકિનારાને સંપૂર્ણ રીતે સુરક્ષિત બનાવવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા ધ્યાનમાં રાખીને દરિયાકિનારે કોઈ પણ પ્રકારની ગેરકાનૂની કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાંખી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ બેટદ્વારકા ખાતે ચાલી રહેલી સિગ્નેચર બ્રિજની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. દરિયાકિનારે તમામ પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિઓ ડામવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતુ. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં રાજ્યની બાહ્ય અને આંતરીક સલામતી માટે દરિયાઈ સુરક્ષા સહિતના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ બેટદ્વારકા ખાતે ચાલી રહેલી સિગ્નેચર બ્રિજની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. દરિયાકિનારે તમામ પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિઓ ડામવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતુ. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં રાજ્યની બાહ્ય અને આંતરીક સલામતી માટે દરિયાઈ સુરક્ષા સહિતના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીનાં કાફલામાં રાજ્યનાં પોલીસવડા વિકાસ સહાય પણ જોડાયા હતાં. કલેકટર મુકેશ પંડ્યા અને એસપી નીતેશકુમાર પાંડે સહિતના અધિકારીઓ અને ભાજપાનાં સ્થાનિક આગેવાનો આ કાફલામાં સાથે રહ્યા હતાં. અત્રે નોંધનીય છે કે, હર્ષદગાંધવી, નાવદરા બંદર તથા ભોગાત પંથકમાં તાજેતરમાં રૂ.6.13 કરોડથી વધુ બજારમૂલ્ય ધરાવતી અંદાજે 14 લાખ ચોરસફુટથી વધુ જમીન પરનાં દબાણો હટાવવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ આ સ્થળોની મુલાકાત લીધી હતી અને વિગતોની જાણકારી મેળવી હતી.
આ તકે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ યાત્રાધામ હર્ષદ ખાતે શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરે દર્શન કર્યા હતાં. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીની દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ સમગ્ર મુલાકાત દરમિયાન રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, પ્રાંત અધિકારીઓ કોટડિયા અને તલસાણિયા, ડીડીઓ એસ.ડી. ધાનાણી, ડીઆરડીએનાં નિયામક જે.આર.પરમાર, ડીવાયએસપી એસ.એચ.સારડા તથા કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી સહિતનાં સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતાં.